Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજયની ગેરકાયદે શાળા સામે કાર્યવાહી કરવા બોર્ડનો આદેશ

અમદાવાદમાં જ ૫૦થી વધારે અમાન્ય શાળાઓ : બોર્ડની મંજુરી વગરની કોઇપણ શાળા શરૂ કરવામાં આવે તો તેને અમાન્ય ઠરતી હોવાથી હવે શિક્ષાત્મક કાર્યવાહી

અમદાવાદ,તા. ૧૫ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી ગેરકાયદેસર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર કાર્યવાહી કરવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક ટ્રસ્ટ દ્વારા બોર્ડની મંજૂરી વગર શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા આ પ્રકારની શાળાઓ સામે જરૂરી પગલા ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી ગેરકાયદેસર ચાલતી શાળોની ૨૦૧૮માં બોર્ડને જાણ થતા શિક્ષણ વિભાગે આ મામલાને ગંભીરતાથી લીધો છે.

સામાન્ય રીતે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડની મંજૂરી લેવી જરૂરી છે. જો બોર્ડની મરજી વગર કોઇ શાળા શરૂ કરવામાં આવે તો તેને અમાન્ય માનવામાં આવે છે. જો આ વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવે તો તે શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉ જાહેર થયેલા પરિપત્ર અનુસાર, શહેરમાં અંદાજે ૫૦ જેટલી અમાન્ય શાળાઓ છે. જેમા વાલીઓને જણાવ્યું છે કે આ પ્રકારની સ્કૂલોમાં પોતાના બાળકોને મોકલીને તેમનું ભવિષ્ય ના બગાડે. શહેરના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે અમાન્ય શાળાઓ ચાલી રહી છે. હવે બોર્ડ દ્વારા સમગ્ર મામલો ગંભીરતાથી લેવાયો છે અને હવે ઝીણવટભરી તપાસ અને ચકાસણી બાદ આવી ગેરકાયદે શાળાઓ વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

(8:20 pm IST)