Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ

કુલ 3899 કર્મીઓ પૈકી 1669 કર્મચારીઓએ પોતાના મતાધિકારની ફરજ નિભાવી

પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીના જવાનોએ મતદાન કર્યુ.હતું સરહદી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચીત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સોમવારે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીના જવાનો મળી 3899 કર્મીઓ પૈકી 1669 કર્મચારીઓએ પોતાના મતાધિકારની ફરજ નિભાવી હતી.

  આગામી ૨૩ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેથી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતીપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને બુથ તેમજ પેટ્રોલિંગના પોઈન્ટો ફાળવી ફરજ આપવામાં આવી છે. જેથી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં કુલ 3899 મતદાતાઓ પૈકી 1669 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું. હજી આવતીકાલે પણ થરાદ ખાતે મતદાન યોજાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

(8:32 pm IST)