Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડગામમાં પુરવઠા નિગમના ગોડાઉનમાં શોટ સર્કિટના કારણે આગ ભભુકતા લાખોનો માલસામાન બળીને ખાખ થયો

વડગામ:તાલુકાના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં શનિવારની મોડી સાંજે શોર્ટસર્કિટ થવાના કારણે માલ ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગોડાઉનમાં પડેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે ઘટનાને લઈ પંથકમાં અફડાતફડી મચી જવા પામી હતી. દરમિયાન ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા મથક વગામની મામલતદાર કેરી સામે આવેલા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં શનિવારની મોડી સાંજે શોર્ટસર્કિટ થવાના કારણે ગોડાઉનમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા પ્રસરી ગયા હતા. આગની જાણ થતા વડગામ મામલતદાર આર.સી. ઠાકોર સહિત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાયટરને જાણ કરતા ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે ગોડાઉનમાં પડેલ ખાલી બારદાન, ખાંડ તેમજ ચોખાની બોરીઓ સહિત તેલના કાર્ટુન બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાના કારણે નિગમને લાખોનું નુકસાન થયાનું પ્રાથમિક જાણકારી મળી હતી. જોકે નુકસાનનો ચોક્કસ આંકડો સર્વે કર્યા બાદ જાણવા મળશે તેવું ગોડાઉન મેનેજર ફરીદાબેન પેટીવાલાએ જણાવ્યું હતું. આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જોકે આગની ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી.

(5:16 pm IST)