Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

છબીલ પટેલના રિમાન્ડની તજવીજ : અબડાસા પંથકના મોટા માથાની સંડોવણી?

પિતા - પુત્રની પૂછપરછમાં નવા કડાકા - ભડાકા : દુષ્કર્મની ફરિયાદ બાદ ડરી ગયેલા છબીલ પટેલે જેન્તી ભાનુશાલીની હત્યા કરાવી

ભુજ તા. ૧૫ : પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીટની પોલીસ ટીમે અટકાયત કર્યા બાદ સીઆઇડી ક્રાઇમના ડી.જી. આશિષ ભાટિયાએ અમદાવાદમાં આપેલી સત્તાવાર માહીતી અનુસાર પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે એ કબુલ્યું છે કે, જેન્તી ભાનુશાલીની હત્યાના કાવતરામાં તેનો હાથ છે. અત્યાર સુધી માત્ર એફઆઈઆર અને અન્ય આરોપીઓની પોલીસ પૂછપરછમાં છબીલ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. સિનિયર પોલીસ અધિકારી શ્રી ભાટિયાના જણાવ્યા પ્રમાણે છબીલ પટેલે શાર્પ શૂટરો સાથે કરેલી બેઠક તેમ જ તેમને જેન્તી ભાનુશાલીની હત્યાની સોપારી આપી હોવાની વાતને કબૂલી લીધી છે. જે અનુસાર પહેલા જેન્તીભાઈના બંગલાની રેકી કરાઈ હતી બાદમાં ટ્રેનમાં મારવાનું આયોજન કરાયું હતું. હત્યા ૭ મી જાન્યુઆરીના મધરાતે કરાઈ હતી પણ છબીલ પટેલ ૨ જી જાન્યુઆરીના મસ્કત તેમ જ ત્યાંથી ૯ મી જાન્યુઆરીના અમેરિકા ચાલ્યો ગયો હતો. છબીલ ન્યુજર્સી માં પોતાની પુત્રીને ત્યાં રોકાયો હતો. હત્યામાં પોતાની સંડોવણી વિશે કબુલાત કરી ધડાકો કરનાર છબીલ પટેલ જેન્તી ભાનુશાલીની હત્યા બાદ પણ વ્હોટ્સએપ દ્વારા કચ્છમાં અને કચ્છ બહાર રહેતા તેમના પરિચિતો સાથે સંપર્કમાં હોવાનુ ખુલ્યા બાદ પોલીસે તે સંપર્કો વિશે પણ માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે, પોલીસ દ્વારા છબીલની વિધિવત ધરપકડ આજે સાંજે કરાઈ છે. જેન્તીભાઈની હત્યાના બરાબર ૬૫ દિવસ પછી ગઈકાલે ઝડપાયેલા છબીલ પટેલને પોલીસ આજે શુક્રવારના કચ્છ લઈ આવશે અહીં ભચાઉ કોર્ટમાં તેને રજૂ કરીને પોલીસ દ્વારા છબીલ પટેલના રિમાન્ડ માંગવામાં આવશે. સીઆઇડી ક્રાઇમના શ્રી ભાટિયા જણાવ્યાનુસાર પ્રાથમિક પૂછપરછમાં રાજકીય વેરઝેરને કારણે પોતે જેન્તી ભાનુશાલીની હત્યા કરવાનું ષડ્યંત્ર કર્યું હોવાની કબૂલાત છબીલે કરી છે. પોતાની સામે દિલ્હીમાં બળાત્કાર નો કેસ નોંધાયા બાદ જો પોતે જેલમાં જશે તો પોતાની સામે બીજા કેસ પણ નોંધાશે એવી બીક છબીલ પટેલને હતી.ઙ્ગ પણ હવે રિમાન્ડ મેળવ્યા બાદ છબીલ પટેલની સીટની ટીમના પોલીસ અધિકારીઓ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવશે. અમેરિકાથી છબીલ પટેલ બે બેગ સાથે આવ્યા હતા અને પોલીસે સીધી જ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરી હતી. જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનો હાથ હોવાનું અને તેની ધરપકડ હજી બાકી હોવાનું પોલીસે કહ્યું છે.

અબડાસા પંથકના એક મોટા માથાની સંડોવણી ખુલ્લી?

છબીલ પટેલની પૂછપરછ વચ્ચે સીઆઇડી ક્રાઇમ દ્વારા અબડાસા પંથકના એક મોટા માથાને કચ્છમાં થી ઉઠાવવામાં આવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એકાદ દિવસમાં જ સીઆઇડી ક્રાઇમ દ્વારા એ રાજકીય મોટા માથાની ધરપકડ કરાય તેવી શકયતા છે. જોકે, જેન્તી ભાનુશાલી ના પરિવાર દ્વારા લખાવાયેલી એફઆઈઆર માં કુલ પાંચ આરોપીઓ ના નામ હતા. જે પૈકી હવે કોની ધરપકડ થશે? તે જોવું રહ્યું. જોકે, મૃતક જેન્તીભાઈ ના પરિવારજનોએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયેલ સેકસ સીડી, તેમ જ ઓડિયો કલીપ એડિટ કરાયેલ હોવાનો અને જેન્તીભાઈને બદનામ કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ મીડીયા સમક્ષ તેમ જ પોલીસ એફઆઈઆર માં કરીને તપાસની માંગણી પણ કરી છે.ઙ્ગ

સિદ્ઘાર્થ પટેલ ઉપર હજી મુશ્કેલીના વાદળો

છબીલ પટેલના પુત્ર સિદ્ઘાર્થ ની ધરપકડ કરી ત્રણ દિવસના તેના રિમાન્ડ મેળવ્યા બાદ ગઈકાલે સાંજે તેને ફરી ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા સિદ્ઘાર્થ ના વધુ ૭ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પણ, કોર્ટ દ્વારા વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. હવે એક બાજુ જયારે છબીલ ના રિમાન્ડ માંગી પૂછપરછ કરાશે, બીજી બાજુ પુત્ર સિદ્ઘાર્થ ના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરાઈ રહી છે. આમ, પિતા અને પુત્ર બન્ને પોલીસની કસ્ટડીમાં છે, ત્યારે બન્ને ની પૂછપરછમાં નવા કડાકા ભડાકા પણ થવાની શકયતા છે.

(12:07 pm IST)