Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમદાવાદ પૂર્વમાંથી મનોજ જોષી ચૂંટણી લડે તેવા સંકેતો

ભાજપ આ બેઠક પર બોલિવુડ એકટરને ઉતારશે : પરેશ રાવલે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવતાં બોલિવુડના ગુજરાતી કલાકાર મનોજ જોષીને તક મળે તેવી સંભાવના

અમદાવાદ,તા. ૧૪ : ૨૦૧૪ની લોકસભાની ચૂટણીમાં ગુજરાતમાંથી તમામ ૨૬ બેઠકો ભાજપે મેળવી હતી ત્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ૨૬ બેઠક પર કબ્જો કરવા માટે ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે અમદાવાદ પૂર્વના વર્તમાન સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલે ફરીથી ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવતા તેમના સ્થાને ભાજપના નજીક ગણાતા અને પદ્મશ્રી વિજેતા મનોજ જોષીને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા બળવત્તર બની છે. જો તેમ થાય તો, મનોજ જોષી ભાજપ માટે પરેશ રાવલ કરતાં વધુ મજબૂત ઉમેદવાર સાબિત થશે એટલું જ નહી, પરેશ રાવલ દ્વારા તેમના વિસ્તારમાં પૂરતો સમય નહી ફાળવાયો હોવાની અને સ્થાનિક પ્રશ્નોના કામો નહી કરાયા હોવાની લોકોમાં જે ફરિયાદ ઉઠવા પામી હતી તેને શાંત પાડી શકાય તેમ છે. મનોજ જોષી ગુજરાતી કલાકાર હોવાના નાતે પ્રજાની નાડ સારી રીતે પારખી શકે તેમ છે, તેથી ભાજપની આ પસંદગી કારગત નીવડે તેવી પૂરી શકયતા છે. ૨૦૧૪ની લોકસભામાં અમદાવાદ પૂર્વની બેઠક પરથી વિજેતા બનેલા સાંસદ પરેશ રાવલ મતવિસ્તારના કામોમાં નિષ્ક્રિય રહ્યા હતા, આ ઉપરાંત ગુજરાતમાં ભાજપના મહત્વના કાર્યક્રમો અને બેઠકોમાં સતત ગેરહાજર રહેતા હતા. પરિણામે ગુજરાત ભાજપ અને હાઈકમાન્ડે પણ પરેશ રાવલની રાજકિય નિષ્ક્રિયતાની ગંભીર નોંધ લીધી હતી અને આ મામલે ભાજપે હાઈકમાન્ડે પણ પરેશ રાવલને જણાવતા પરેશ રાવલે પોતે ફિલ્મી દુનિયામાં વ્યસ્ત હોવાના કારણ રાજકારણમાં સમય ફાળવી શકતા નહી હોવાનું નિખાલસપણે જણાવી ફરીથી લોકસભાની ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ધાર ભાજપના ટોંચના નેતાઓ સમક્ષ કર્યો હતો. તેથી અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર પરેશ રાવલના સ્થાને અન્ય ઉમેદવારની ભાજપે શોધખોળ શરૂ કરી હતી. ભાજપની નજીક ગણાતા અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર મનોજ જોષી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રાજકીય કાર્યક્રમોથી માંડીનો ગુજરાત સરકાર સાથે નજીકનો ઘરોબો ધરાવે છે. મનોજ જોષી ગુજરાતના જ હોવાથી તેમને પરેશ રાવલના સ્થાને અમદાવાદ પૂર્વની લોકસભાની ટિકિટ આપવા માટે ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિ અને કોર ગ્રુપ દ્વારા નામ નક્કી કરવામાં આવ્યું છે અને પરેશ રાવલના સ્થાને મનોજ જોષીને ટિકિટ આપવા માટે ઉમેદવારોની યાદીમાં ચૂંટણી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. જેનો આખરી નિર્ણય ભાજપની બોર્ડ નક્કી કરશે.

(7:51 pm IST)