Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચાણસ્મા-બહુચરાજી પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી

જીરૂ, ઘઉં, વરિયાળી, દિવેલા અને ઉનાળુ બાજરીના પાકને નુકશાન થયાની ભિતિ

ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં છેલ્લા બે દિવસથી પલટાયેલા હવામાનના કારણે આકાશમાં વાદળો ઘેરાતા ગઈકાલે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતવર્ગમાં પાકને બચાવવા ભારે દોડધામ કરવી પડી હતી. છેલલા એકાદ સપ્તાહમાં બીજી વખતે હવામાન બદલાતાં હાલના રવિપાક જીરૂ, ઘઉં, વરિયાળી, દિવેલા અને ઉનાળુ બાજરીના પાકને વિપુલ પ્રમાણમાં નુકશાન થયાની ભિતિ સેવાઈ રહી છે.

   ચાલુ રવિ સિઝનમાં ઠંડીનું પ્રમાણ લાબા સમાય સુધી જળવાઈ રહેતાં રવિપાકમાં ખેતીનું ઉત્પાદન સારૂ થશે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ હતી. પરંતુ પાકના વાવેતર સાથે જ રોજબરોજ આકાશમાં વાદળ છાયું હવામાન રહેતાં મોટાભાગના રવિપાકમાં મેલીમશી જેવા રોગના ઉપદ્રવે ભરડો લેતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.

  એકાદ સપ્તાહ પહેલાં પડેલા કમોસમી વરસાદના કારણે આ બંને તાલુકાઓમાં કમોસમી વરસાદ અને પવનના ભારે સુસવાટાને કારણે રવિ પાકનો સોથ વળી ગયો હતો અને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ચોમાસુ ખેતીની નિષ્ફળતા બાદ રવિ સિઝનમાં પલટાયેલા હવામાનના કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયાં છે

  . છેલ્લા બે દિવસથી વાદળછાયા હવામાનને સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યાના અહેવાલો મળ્યા છે. પરિણામે રવિપાકમાં રોગચાળો સહિત તેના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયાની ગણતરીઓ મુકાઈ રહી છે. ખેતરોમાં અને ખરવાડમાં તૈયાર પાકને બચાવવા ખેડૂતોએ ભારે દોડધામ મચાવી હતી. એકંદરે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો રવિપાક નિષ્ફળ જશે તેમ જણાય છે.

(10:55 am IST)