Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મિતલ સરૈયાને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે હેમખેમ લાવી વચન પાળતા ફલોરીડા (અમેરીકા)ના સોશ્યલ મીડીયામાં પોલીસની મ્હોંફાટ પ્રશંસા

વડોદરાના પુર્વ ક્રિકેટર અને એનઆરઆઇનો ગૂમ થવાનો અમેરીકા સુધી ચકચાર જગાવનાર મામલો

રાજકોટ, તા., ૬ : વડોદરાના પુર્વ ક્રિકેટર અને એનઆરઆઇ મિતલ સરૈયા કે જેઓ પિતાની નાદુરસ્ત તબીયતના ખબર કાઢવા આવ્યા બાદ અચાનક ગૂમ થતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડવા સાથે તેના અપહરણની શંકા સેવાઇ હતી. જે મામલામાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મિતલ સરૈયાના પરિવારને તથા અમેરીકન એમ્બેસીને મિતલને હેમખેમ પાછો લાવવાનું જે વચન આપ્યું હતું  અને તે વચન પાળી બતાવતા ફલોરીડા (અમેરીકા)માંં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને વડોદરા પોલીસની કામગીરીના મ્હોં ફાટ વખાણ ટવીટર પર થઇ રહયા છે.

અત્રે એ યાદ રહે કે મિતલ સરૈયા વિદેશી ચલણ વટાવવા બેંકમાં ગયા બાદ રીક્ષામાં બેઠા હતા ત્યાર બાદ તેઓ કયાં ગયા? તેનો કોઇ પતો લાગતો ન હતો. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચ સહિત સમગ્ર વડોદરા પોલીસને મિતલને શોધવા કામે લગાડી હતી.

દરમિયાન પોલીસની સઘન શોધખોળને કારણે મિતલ સરૈયા દમણમાં હોવાની માહીતી  પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને બાતમીદાર તરફથી મળતા ત્યાંથી તેમના ફોટા મંગાવી અને મેચ કરતા મિતલ સરૈયા હોવાનું જ ફલીત થતા વડોદરાથી ખાસ ટીમ દમણ પહોંચી મિતલ સરૈયાને પ્રથમ જમાડી અને હેમખેમ વડોદરા લાવ્યા હતા. ફલોરીડાના કોમ્યુનીટી લીડર વિપુલ પટેલે ટવીટર મેસેજમાં જણાવ્યું છે કે મિતલ સરૈયા ગુમ થયાની તેની પુત્રીએ જાણ કરી વોશીંગ્ટન સ્થિત ઇન્ડીયન એમ્બેસીના અનુરાગને જાણ કરી હતી. કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ માહીતગાર કર્યા હતા. વડોદરા પોલીસ અધિકારીઓ સતત સંપર્કમાં હતા. ફલોરીડાના સોશ્યલ મીડીયા ગૃપમાં ધ વડોદરા પોલીસ એકસલન્ટ જોબ  એવા મેસેજ મુકી લોકોએ વડોદરાના પોલીસ કમિશ્નર તથા પોલીસની કામગીરીના મ્હોંફાટ વખાણ કર્યા હતા.

 

(4:20 pm IST)