Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ સરકારે લોકરક્ષકની ભરતી પરીક્ષા રદ કરી ભ્રષ્ટાચારીઓના બદઈરાદાને ખુલ્લા પાડ્યા: ઊર્જા મંત્રી પટેલ

વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવાનું ભાડું આપવાનો નિર્ણય: સરકાર કોઈને પણ છોડશે નહીં યુવાનોના હિતમાં પરીક્ષા રદ કરવાના લીધેલાં નિર્ણયનો વિરોધ કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે? ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલનો વેધક સવાલ

ગાંધીનગર :રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારે મહેનતુ વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઈને લોક રક્ષકની ભરતી પરીક્ષા રદ કરી ભ્રષ્ટાચારીઓના બદઈરાદાને ખુલ્લા પાડ્યા છે. ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં રાજ્ય સરકારના આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો

  . તેમણે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ સંદર્ભે લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ પરીક્ષાના પેપરને ફોડવામાં રાષ્ટ્રીય સ્તરે ગેંગ સક્રીય હોવાનું પ્રાથિમક તારણ મળ્યું છે અને રાજ્ય સરકાર કોઈને પણ છોડવામાં માનતી નથી. આવા ગુનેગારો કોઈપણ પક્ષના હશે રાજ્ય સરકાર કોઈને પણ છોડશે નહીં. રાજ્ય સરકારે આગામી ૩૦ દિવસમાં આ પરીક્ષા પુનઃ લેવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવાનું ભાડું આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ  લીધો છે.

 યુવાનોના હિતમાં લોક રક્ષકની પરીક્ષા રદ કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે એવો વેધક સવાલ ઉઠાવીને ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રીએ લીધેલા નિર્ણયને વધાવવો જોઈએ ત્યારે આ નિર્ણયનો વિરોધ કરીને કોંગ્રેસ કોને બચાવવા જઈ રહી છે તે ગુજરાતની સુજ્ઞ પ્રજા બરાબર જાણે જ છે. ઊર્જા મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષના ઈતિહાસમાં રાજ્યમાં યોજાયેલી ભરતી પરીક્ષાનું વિહંગાવલોકન કરશો તો જણાશે કે આ રાજ્ય સરકારે ભરતી પરીક્ષાઓમાં પુરતી પારદર્શિતા જાળવી છે, અને વચેટિયાં અને દલાલોનું સામ્રાજ્ય ખતમ કરી નાંખ્યું છે.

ગુજરાત સરકારે એક વર્ષમાં જ એક લાખ જેટલા યુવાઓને સરકારી નોકરી આપી છે ત્યારે કોંગ્રેસે તેમના ભૂતકાળને યાદ કરવો જોઈએ એવું સ્પષ્ટ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આટલી મોટી માત્રામાં કોંગ્રેસ સરકારે ક્યારેય યુવાઓને સરકારી નોકરી આપી નથી એટલું જ નહીં સરકારી ભરતીઓમાં ક્યારેય પારદર્શિતા જળવાતી ન હતી અને ભ્રષ્ટાચારે માઝા મુકી હતી સામાન્ય સરકારી નોકરી મેળવવામાં કેટલા રૂપિયાની લાંચ આપવી પડતી હતી તે કોંગ્રેસ બરાબર જાણે છે.

  રાજ્ય સરકારના શ્રેષ્ઠ પ્રયાસોને કારણે જ ગુજરાતમાં રોજગારીનો દર સૌથી નીચો છે તેની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢ દ્વારા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જે અનુસાર સમગ્ર ભારતનો બેરોજગારીનો દર પ્રતિ હજાર વ્યક્તિએ ૫૦(પચાસ) નો અંદાજવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતનો બેરોજગારીનો દર પ્રતિ હજાર વ્યક્તિએ માત્ર ૯(નવ) અંદાજવામાં આવ્યો છે જે સમગ્ર દેશના રાજ્યોમાં સૌથી નીચો છે. ભરતી પરીક્ષાઓમાં ઉમેદવારોની વિશાળ સંખ્યા સંદર્ભે સ્પષ્ટતા કરતા ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સંખ્યા પ્રમાણમાં વધારે હોવાનું મૂળ કારણ યુવાઓમાં સરકારી નોકરીઓ પ્રત્યેનો લગાવ છે. પરીક્ષા આપવા આવનારા તમામ બેરોજગાર નથી હોતા.

ગુજરાતે યુવાઓને રોજગારી આપવા માટે જે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે તે દેશભરમાં ઉદાહરણરૂપ છે તેની માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમીટ, ટેક્સટાઈલ્સ પોલીસી, ગારમેન્ટ પોલીસી, ઔદ્યોગિક નીતિ જેવી નીતિઓના સુચારૂં અમલીકરણને કારણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ બન્યું છે અને દેશભરમાં રોજગાર કચેરી મારફત દેશની ૮૬% રોજગારી આપનારૂ એકમાત્ર રાજ્ય એવું ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર ભરતી મેળા દ્વારા દસ લાખ થી વધુ યુવાઓને રોજગારી પુરી પાડીને ગુજરાતે ‘‘હર હાથને કામ’’ના સંકલ્પ સાકાર કરવાના પુરૂષાર્થને દર્શાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકોને લઘુ ઉદ્યોગો શરૂ કરી શકે તે માટે મુદ્રા યોજના દ્વારા લોન સહાય આપવાનું નક્કી કર્યું, તે સંદર્ભે ગુજરાત રાજ્યે ૪૪ લાખ લોકોને રૂ.૩૦ હજાર કરોડની લોન સહાય પુરી પાડીને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની આ રાજ્ય સરકારે હંમેશા પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના વિકાસ મંત્ર સાથે હંમેશા રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ નિર્ણયો લીધા છે ત્યારે કોંગ્રેસ વિરોધ કરવા ખાતર વિરોધ કરીને ગુજરાતની વિકાસ યાત્રાને અવરોધે છે, જે પ્રજા બરાબર જાણે છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું

(7:24 pm IST)