Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અમદાવાદમાં મીઠાઈ-ફરસાણ પર આરોગ્યની ટીમના દરોડા: 21 એકમોની ચકાસણી કરી નોટિસ ફટકારાઇ

અમદાવાદ: શહેરમાં આજે બુધવારે મ્યુનિ.આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ૩૯૦ કિ.ગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાધ્ય પદાર્થનો જથ્થા મળી આવતા તેનો નાશ કરાયો હતો. કુલ ૨૧ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ ૧૬ ધંધાકીય એકમોમાંથી ખાદ્યપદાર્થોના નમુના લઇને તેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાયા હતા.

નવરાત્રિ, દશેરા સહિતના આગામી તહેવારોને અનુલક્ષીને શહેરીજનોના આરોગ્યના મુદ્દે આજે મ્યુનિ.આરોગ્ય ખાતા દ્વારા શહેરભરમાં આવેલી મીઠાઇઓ અને ફરસાણની દુકાનમાં ચકાસણી હાથ ધરાઇ હતી. ખાદ્યપદાર્થોની ગુણવત્તા, દુકાન, રસોડામાં સફાઇ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.

રામોલ, વાસણા, બહેરામપુરા, નરોડા, દુધેશ્વર, ઓઢવ, કુબેરનગર, સોલા, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોમાં તપાસ કરાઇ હતી. જેમાં બેસન, ફાફડા, જલેબી, પામોલીન તેલ, ફરસીપુરી, ચવાણું, ચણાની દાળ, પાપડી, નાયલોને સેવ, શક્કરપારા સહિતના શંકાસ્પદ જણાઇ આવેલા ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા.

(5:28 pm IST)