Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઉમરેઠના હમીદપુરામાં 9 વર્ષીય કિશોરીને જાતીય સતામણી કરનાર આણંદના શખ્સને 3 વર્ષની કેદ

ઉમરેઠ: તાલુકાના હમીદપુરા ખાતે બે વર્ષ પહેલા એક ૯ વર્ષની કિશોરીની જાતિય સતામણી કરનાર શખ્સને આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને કુલ ત્રણ વર્ષની કેદની સજા અને ૪૨ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર હમીદપુરા નાની ખડકી ખાતે રહેતો અતુલભાઈ ચંદુભાઈ પટેલ ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો. તેને ત્યાં ગામના બાળકો ટ્યુશને આવતા હતા. ગત ૧૯-૮-૨૦૧૬ના રોજ સાંજના સુમારે નીત્યક્રમ મુજબ ટ્યુશને આવેલી એક ૯ વર્ષની બાળાનો દાંત તુટી જતાં તે ઘરની પાછળ આવેલા વાડામાં ગઈ હતી. જેથી અતુલનો ભાઈ સુધીર (ઉ. વ. ૨૫)પાછળ-પાછળ ગયો હતો અને તેણીને બાથરૂમમાં લઈ જઈને દરવાજો બંધ કરી જાતિય સતામણી કરી હતી. ત્યારબાદ જો આ વાતની જાણ કોઈને પણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ગભરાઈ ગયેલી બાળાએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ માતા-પિતાને કરતાં તેઓ ડઘાઈ ગયા હતા અને ઉમરેઠ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. 

પોલીસે સુધીરભાઈ પટેલની ધરપકડ કરીને તપાસ પૂર્ણ કર્યા બાદ તહોમતનામુ કોર્ટમાં રજૂ કર્યું હતુ. આ કેસ આણંદના બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત જિલ્લા સરકારી વકીલે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, એક ૯ વર્ષની બાળાની ૨૫ વર્ષીય કામાંધ યુવક દ્વારા આબરૂ લેવાની કોશિશ કરવામાં આવી છે, જે ભોગ બનનારની જુબાની પરથી ફલિત થાય છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાની અપીલ કરી હતી. ન્યાયાધિશ બી. જી. ગોલાણીએ સરકારી વકીલની દલિલોને ધ્યાનમાં રાખીને કુલ ત્રણ વર્ષની કેદની સજા અને ૪૨ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો હતો.

 

 

 

(5:25 pm IST)