Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પેટલાદના બાંધણીમાં કિશોરીને લગ્નની લાલચ આપી અત્યાચાર ગુજારનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજાની સુનવણી કરી

પેટલાદ: તાલુકાના બાંધણી ગામની જેડવાપુરા સીમમાંથી એક કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને તેણી ઉપર જાતીય અત્યાચાર ગુજારનારને આણંદની સેકન્ડ એડીશ્નલ સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને કુલ ૧૦ વર્ષની સજા અને ૪૨ હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ભરે તો તેમાંથી ૮૦ ટકા રકમ ભોગ બનનારને વળતર પેટે ચુકવવાનો પણ હુકમ કર્યો હતો. આ ગુનામાં મદદગારી કરનારને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર બાંધણી ગામની જેડવાપુરા સીમમાં રહેતી એક ૧૫ વર્ષ અને ૧૦ માસ તેમજ ૨૦ દિવસની ઉંમર ધરાવતી એક કિશોરીને ગત ૨૨-૫-૧૩ના રોજ માતર તાલુકાના નાંદોલી બસસ્ટેન્ડ પાસે રહેતો વિજયભાઈ જયંતિભાઈ પરમાર લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી ધોળકા ખાતે લઈ ગયો હતો જ્યાં રહેતા મેલાભાઈ કાળીદાસભાઈ ઠાકોરની મદદથી ભાવનગર જિલ્લાના ભદ્રાવલી પાળીયાદ સીમમાં રહેતા નગીનભાઈ બચુભાઈ નાયકને ત્યાં મુકી આવ્યા હતા. જ્યાં રાત્રીના સુમારે વિજયભાઈએ કિશોરી ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ ધોળકા ગામે પરત આવીને પાવાગઢ ખાતે મોકલી આપ્યા હતા. આ અંગે મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને બન્નેની ધરપકડ કરી તપાસ પુર્ણ કરીને ચાર્જશીટ રજુ કરી હતી. 

આ કેસ આણંદના બીજા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત જિલ્લા સરકારી વકિલે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, કિશોરીને લલચાવી પટાવીને ભગાડી લઈ જઈ જાતીય અત્યાચાર ગુજાર્યો છે જે ભોગ બનનારની જુબાની તેમજ મેડીકલ પુરાવાઓ પરથી ફલિત થાય છે જેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાની અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૩ જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા અને ૨૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ન્યાયાધીસ બી. જી. ગોલાણીએ વિજયભાઈ પરમારને તકશીરવાર ઠેરવીને કુલ ૧૦ વર્ષની કેદની સજા તથા ૪૨ હજાર રૂપિયાનો દંડ જો દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. જો દંડની રકમ ભરે તો તેમાંથી ૮૦ ટકા વળતર પેટે ભોગ બનનારને ચુકવવાનો પણ હુકમ કર્યો હતો. આ ગુનામાં મદદગારી કરનાર મેલાભાઈ કાળીદાસભાઈ ઠાકોરને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

(5:22 pm IST)