Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પરપ્રાંતીયોના સહકારથી પોલીસ ર૦૦૦ પરપ્રાંતીયોને પરત અમદાવાદ લાવી

તમે છો તો ગુજરાત છે, હમારા ગુજરાત સુરક્ષીત ગુજરાત, અનોખા અભિયાનની રસપ્રદ વિગતો અકિલા સમક્ષ એડી પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે વર્ણવી : પોલીસે ગોઠવેલી સુરક્ષા વ્યવસ્થાથી સંતોષ પામેલા પરપ્રાંતીયો દ્વારા જ અમદાવાદ કે જયાં ગુજરાતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ અને પરપ્રાંતીયોની વસાહત છે તેવા દુર ગયેલા પોતાના સ્નેહીઓ સંબંધીને ફોન કરીને પરત બોલાવેલ : પરપ્રાંતીયોને વિશ્વાસમાં લીધા અને તેમની પાસે તેમના મિત્રો સ્નેહીઓને યુપી, બિહાર ફોન કરાવ્યાઃ ૧૦૦૦ જેટલી મીટીંગો કરી, ૪૦૦૦ જેટલા હિન્દીમાં પેમ્પલેટ છાપી તેમાં ઓફીસરોના ફોન નંબર, હેલ્પલાઇન નંબર, ડીસીપી સૌરભ તોલંબીયાના માર્ગદર્શનમાં ઘેર-ઘેર વહેંચ્યા

રાજકોટ, તા., ૧૧: સાબરકાંઠાના નાનકડા ગામમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પગલે-પગલે ગુજરાતભરમાંથી પરપ્રાંતીયો ઉપર થતા હુમલા અને સોશ્યલ મીડીયાના ભડકાઉ નિવેદનોને કારણે રાતોરાત પોતાના વતન સમા ગુજરાતને છોડી જે વાહનો મળ્યા તેમાં ઉતરપ્રદેશ અને બિહાર વિગેરે પ્રાંતમાં ચાલ્યા ગયેલા પરપ્રાંતીયોને અમદાવાદ પરત લાવવા અમદાવાદના ઉત્સાહી એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે ઉતર ભારતીય વિકાસ પરીષદના સહયોગથી એક જબરજસ્ત અભિયાન ઘર વાપસી માટે ચલાવ્યું અને તેને ભવ્ય સફળતા મળતા પરપ્રાંતીયોના સંગઠન દ્વારા શ્યામસિંહ ઠાકોરના સૌજન્યથી પોલીસના પ્રયાસોને બિરદાવતા સમારોહનું આયોજન કરવામાં આવ્યાની અભુતપુર્વ ઘટના સામે આવી છે.

બહુ ઓછા લોકોને જાણ હશે કે ગુજરાતમાં સૌથી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઓ અમદાવાદના પુર્વ વિસ્તારમાં છે અને સ્વભાવીક રીતે પુર્વ વિસ્તારમાં પ૦ હજાર જેટલા પરપ્રાંતીયો વસે છે. આવા પરપ્રાંતીયો ગુજરાતમાંથી (અમદાવાદ) ચાલ્યા જાય તો ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને તાળા લાગી જાય. આ પરિસ્થિતિ કોઇ પણ સંજોગોમાં ચલાવાઇ તેવી ન હતી. આવી ઘટનાના કારણે ગુજરાતની અસ્મિતા પણ ઝંખવાતી હતી.

અશોકકુમાર યાદવ દ્વારા વિવિધ વિસ્તારોમાં મિટીંગ કરી તમામ પરપ્રાંતીયોને જણાવ્યંુ કે તમે પરપ્રાંતીય નહિ તમે જ સાચા ગુજરાતી છો, ગુજરાત છે તો ગરબા છે અને તમે છો તો ગુજરાત છે. માટે મહેરબાની કરી બહાર ગયેલા પરપ્રાંતીયોને પણ તમે સમજાવો, પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં આવી નાની-મોટી ૧૦૦૦ બેઠક થઇ. બેઠકોની સાથે સાથે સોશ્યલ મીડીયામાં ભડકાઉ પોસ્ટ મુકતા ૧પ૦ લોકોને જેલ ભેગા કરી દીધા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પ૦૦ પોલીસ વાન તૈનાત કર્યા અને વિશ્વાસ જગાડયો. પરપ્રાંતીયોમાં વિશ્વાસ જગાડયા બાદ તેમના સગા સબંધીઓને ફોન કરીને પરત બોલાવવા વિનંતી કરી. પોલીસ પર વિશ્વાસ બેસતા અહીંના પરપ્રાંતીયોએ બિહાર, ઉતરપ્રદેશ ગયેલા પોતાના સગા સબંધીઓને પરત બોલાવ્યા.

ઉતર ભારતીય વિકાસ પરીષદના રાષ્ટ્રીય પ્રમુખ શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું કે અમેે હુમલાની ઘટનાને ખરાબ સ્વપ્ન ગણી ભુલવા પ્રયાસ કર્યો. અમે અમારા વિસ્તારમાં મહેસુસ કર્યુ કે પોલીસ અમારી સુરક્ષા માટે ખડેપગે હતી. દિવાળી અને નવરાત્રીના તહેવારો બધા સાથે મળી આનંદથી ઉજવે અને અજંપો દુર થાય તેવા પ્રયાસો હાથ ધર્યા અને તે સફળ થયા અને એટલે જ પોલીસના ભગીરથ પ્રયાસોને બિરદાવવા આવકાર સમારોહનું આયોજન કરી પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરાઇ.

અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ઝોન-૬) સૌરભ તોલંબીયાએ અભિયાનની માહીતી આપતા જણાવ્યું કે અમારા વિસ્તારમાં અમે ૪૦૦૦ જેટલા પેમ્પલેટો હિન્દીમાં છપાવ્યા અને તેમાં પોલીસના અગત્યના ફોન નંબરો પણ મુકયા અને આ પેમ્પલેટો પરપ્રાંતીયોના ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ગોઠવી હતી.

(3:36 pm IST)