Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ખાદી કાંતનારા - ખરીદનારા માટે પ્રોત્સાહક સ્કીમ શરૂ કરાશે : વિજયભાઇ

અમદાવાદમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત - નવીનિકરણ થયેલા 'ખાદી સરિતા'નું ઉદ્ઘાટન

ગાંધીનગર તા. ૨૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત નવીનીકરણ પામેલા ખાદી સરિતાનું ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ખાદી એ વસ્ત્ર નહિ-એક વિચાર છે. તેમણે કહ્યું કે, લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે.

મુખ્યમંત્રીશ્રીએ ખાદી ફોર નેકસ્ટ જનરેશન ખાદી ફોર અવર નેશનનો મંત્ર આપતા કહ્યું કે ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતી આ વર્ષે ર ઓકટોબરથી રાષ્ટ્ર ઉજવવાનું છે ત્યારે ગાંધી અને ખાદીને અલગ કરી જ ન શકાય.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે આજે ૧પ૦ વર્ષે પણ ગાંધી વિચાર, ગાંધી જીવનમૂલ્યો આજના સમયમાં પણ એટલા જ રિલેવન્ટ અને પ્રસ્તુત છે. ગાંધીજી આજે પણ જીવંત છે. 

શ્રી વિજયભાઇ રૂપાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પણ આજે છે તેનો સુયોગ વર્ણવતા કહ્યું કે ગાંધી, લોહિયા અને દીનદયાળજી ત્રણેયના વિચારો મૂડીવાદ, સામ્રાજયવાદ વચ્ચે પીસાતી દુનિયાને આજે ગાંધી વિચાર, એકાત્મ માનવવાદ અને સમાજવાદ દ્વારા ઉપયુકત બન્યા છે.

તેમણે ટ્રસ્ટીશીપની ભાવના, અપરિગ્રહ, ગ્રામોત્થાન અને સૌ સુખી તો સુખી આપણે ના ભાવ સાથે દરિદ્રનારાયણની સેવા અને રચનાત્મક પ્રવૃત્તિથી ભવિષ્યના ભારતની ભાવના ગાંધીજીએ વિકસાવી હતી તેની વિશદ ભૂમિકા આપતા જણાવ્યું કે ગાંધી વિચારોને ગ્લોબલાઇઝેશનમાં પણ સ્વદેશીની વાત સાથે ખાદીએ જોડયા છે.

મુખ્યમંત્રીશ્રીએ આગામી ગાંધી જયંતી પૂર્વે રાજય સરકાર ખાદી કાંતનારા અને ખાદી ખરીદનારા લોકો માટે પ્રોત્સાહક સ્કીમ શરૂ કરશે તેવી નેમ વ્યકત કરી હતી.

સમિતિના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઇ દેસાઇએ ખાદીને અને તેના દ્વારા ગરીબ, ગ્રામીણ પરિવારોને રોજગારી અને રચનાત્મક માર્ગે જોડવાની મહાત્મા ગાંધીની વિચારધારાને અનુરૂપ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ જે કાર્યો કર્યા છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વરોજગાર માટે ખાદીથી ઉત્તમ કોઇ પર્યાય હોઇ જ ન શકે તે વાત ગાંધીજીએ સમાજ સમસ્તને સમજાવી છે. શ્રી દેસાઇએ ખાદી ખરીદવા અને તેનો વ્યાપ વધારવા પણ સૌને અનુરોધ કર્યો હતો.

કુટીર ઊદ્યોગ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત ખાદી બોર્ડ અધ્યક્ષ શ્રી કુશળસિંહ પઢેરિયા, જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પદાધિકારીઓ, આમંત્રિતો ગાંધી અને ખાદી પ્રેમીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ખાદી સરિતાના સમગ્ર પરિસરની મૂલાકાત લઇને વિવિધ ઉત્પાદનો, ખાદી ગ્રામોદ્યોગ બનાવટો નિહાળી હતી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ઉપપ્રમુખ હિંમતભાઇ છેડાએ સૌનો રૂણ સ્વીકાર કર્યો હતો.(૨૧.૧૦)

(11:57 am IST)