Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સ્ટારકિડ્સ હોવાના નાતે પાત્રને ન્યાય આપવાની જવાબદારી છે

જ્હાનવી-ઇશાન ફિલ્મના પ્રમોશન માટે શહેરમાં: શ્રીદેવીની પુત્રી જહાનવીની ફિલ્મ ધડક ૨૦મી જૂલાઇથી દેશભરમાં રજૂ કરાશે : નવી જોડીને જોવા ચાહકો ઇચ્છુક

અમદાવાદ,તા.૧૧: શ્રીદેવીની પુત્રી જહાનવી અને શાહીદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર અભિનિત હિન્દી ફિલ્મ 'ધડક' તા.૨૦મી જૂલાઇથી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે ત્યારે શ્રીદેવીની સ્માર્ટ અને સોહામણી પુત્રી જહાનવી કપૂર અને યંગ ચોકલેટી બોય ઇશાન ખટ્ટર આજે ફિલ્મના પ્રમોશનને લઇ અમદાવાદના મહેમાન બન્યા હતા. પોતાની પહેલી જ ફિલ્મને લઇ ઉત્તેજના અને સહેજ ગભરાહટ વ્યકત કરતાં શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂરે જણાવ્યું હતું કે, સ્ટારકિડ્ઝ હોવાના નાતે ફિલ્મને લઇ એવું કોઇ ખાસ દબાણ ન હતુ પરંતુ હા..ચોક્કસ પહેલી ફિલ્મ છે એટલે સ્વાભાવિક ઉત્તેજના અને નર્વસનેસ છે પરંતુ સાથે સાથે ફિલ્મને લઇ ચોકક્સ આશા પણ છે કે, લોકોને તે ચોક્કસ ગમશે. કારણ કે, અમે બહુ મહેનત, લગન અને પ્રમાણિકતાથી ફિલ્મને ન્યાય આપ્યો છે. સ્ટારકિડ્ઝ હોવાના નાતે ફિલ્મ અને પાત્રને ન્યાય આપવાની જવાબદારી પણ એટલી જ વધી જતી હોય છે કારણ કે, તમારાથી ઓડિયન્સને બહુ આશા હોય છે. 'ધડક' ફિલ્મના પ્રમોશન માટે સૌપ્રથમવાર અમદાવાદની મુલાકાતે આવનાર શ્રીદેવીની ચાર્મીંગ પુત્રી જહાનવી કપૂર અને ઇશાર ખટ્ટરે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધડક ફિલ્મ ભલે મરાઠી હીટ ફિલ્મ સઇરાતની રિમેક છે પરંતુ તેમાં બધુ નવું છે, ખાસ તો, કલાકારોના અભિનયથી માંડી ફિલ્મનું નિર્માણ અને સૌથી અગત્યનું બધાની મહેનત અને ફિલ્મ પ્રમાણિકતાથી બનાવવી તે. આ જ વસ્તુ ફિલ્મને કંઇક અલગ અને રસપ્રદ બનાવે છે. મારી પહેલી ફિલ્મ હોઇ અને તે પણ કરણ જોહરના ધર્મા પ્રોડકશન બેનર હેઠળની તેથી મને ઘણું શીખવા મળ્યું અને અભિનય ક્ષેત્રે કેટલીક મહત્વની વાતો પણ જાણવા મળી. કરણ જોહરના ધર્મા પ્રોડકશન મોટાભાગે સ્ટારકિડ્ઝને લોન્ચ કરતી ફિલ્મો બનાવે છે તો, ધર્મા પ્રોડકશન સ્ટાર કિડ્સ માટે એક પ્લેટફોર્મ નથી બની ગયુ લાગતુ એ મતલબના એક પ્રશ્નના જવાબમાં બંને સ્માર્ટ સ્ટારકિડ્ઝ જહાનવી કપૂર અને ઇશાર ખટ્ટરે જણાવ્યું કે, ના..ખરેખર એવું કંઇ નથી. ધર્મા પ્રોડકશનમાં આઠ એવા ડિરેકટર પણ છે કે, જેમનું કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, વળી અહીં એક પારિવારિક અને સલામતીભર્યુ વાતાવરણ મળી રહે છે. જે તમારામાં જો ફિલ્મો પ્રત્યે અનહદ લગન, મહેનત અને કામ કરવાનીધગશ તેમ જ પ્રમાણિકતા હોય તો તમને સોનેરી તક પૂરી પાડે છે. ભલે પછી તમે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા હોવ કે ના ધરાવતા હોવ.

'ધડક' ફિલ્મના ચાર ગીત રિલીઝ થઇ ચૂકયા છે, જેમાંથી ટાઇટલ સોંગ 'ધડક' તેમનું સૌથી મનગમતું સોન્ગ હોવાનું જણાવતાં જહાનવી અને ઇશાને જણાવ્યું કે, અમદાવાદીઓના પ્રેમ અને ઉમળકાભર્યો આવકાર જોઇને તેઓ ભારે પ્રભાવિત થયા છે અને તે બદલ તેઓ તેમનો આભાર માને છે. અમદાવાદની આ તેમની પહેલી મુલાકાત છે પરંતુ તેઓ અમદાવાદની દાળના શોખીન છે, ખાવમાં તે તેમની મનગમતી છે.  તેમનો અમદાવાદની મુલાકાતનો અનુભવ અદ્ભુત અને યાદગાર રહ્યો એમ તેમણે ઉમેર્યું હતું. શ્રીદેવીના નિધન બાદ ફિલ્મના શૂટીંગનો તબક્કો તમે કેવી રીતે હેન્ડલ કર્યો એ મતલબના પ્રશ્નનો જવાબ આપવાનું જહાનવીએ ટાળ્યું હતું. જો કે, ફિલ્મની સફળતા અને દર્શકોના પ્રતિસાદને લઇ તેણીએ ભારે હકારાત્મકતા અને આશા પ્રગટ કર્યા હતા.

(9:47 pm IST)