Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પાર્ક કરેલી કારનો કાચ તોડી મિનિટોમાં જ લાખોની ચોરી

એસજી હાઇવે પર રાજપથ કલબ નજીકનો બનાવ : વસ્ત્રાપુર પોલીસે બનાવ સંદર્ભે જરૂરી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી : કાચ તોડી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય

અમદાવાદ,તા.૧૧ : શહેરના એસજી હાઇવે પર આવેલ રાજપથ ક્લબની સામે પાર્ક કરેલી કારનો કાચ તોડીને ગઠિયાઓ ૩.૬ર રૂપિયા ભરેલો થેલો લઇને ફરાર થઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કાર સર્વિસનું ગેરેજ ધરાવતા સચીનભાઇ એક્સિસ બેન્કમાં આરટીજીએસ કરવા માટે ગયા ત્યારે ગઠિયાઓએ માત્ર પાંચ જ મિનિટમાં કારનો કાચ તોડીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. આ બનાવ સંદર્ભે સેટેલાઇટ રોડ પર આવેલ આશાવરી ટાવરમાં રહેતા અને કાર સર્વિસનું ગેરેજ ધરાવતા સચીનભાઇ શાહે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદની હકીકત મુજબ, ગઇકાલે રાજપથ ક્લબની સામેના રોડ પર સચીનભાઇ તેમની કાર પાર્ક કરીને એક્સિસ બેન્કમાં આરટીજીએસ કરવા માટે ગયા હતા. પાંચ મિનિટમાં સચીનભાઇ તેમનું કામ પતાવીને નીકળી ગયા હતા. સચીનભાઇ કાર લઇને થોડેક દૂર પહોંચ્યા ત્યારે તેમની કારમાં અવાજ આવતો હોવાથી તે સાઇડમાં ઊભા રહ્યા હતા. સચીનભાઇએ કારની પાછળ જોયું તો કાચ તૂટેલો હતો અને કારમાં પડેલા ૩.૬ર લાખ રૂપિયા ગાયબ હતા. જેને લઇ તેઓ ચિંતામાં સરી પડયા હતા. જો કે, તાત્કાલિક તેમણે સમગ્ર ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી પોલીસને સમગ્ર ગુનાનું વર્ણન કર્યું હતું. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે. સોમવારના દિવસે પણ વસ્ત્રાપુરના સિંધુ ભવન રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કની સામે પાર્ક કરેલી કારનો કાચ તોડીને પપ હજાર રૂપિયા ભરેલી બેગ ગઇ ગઠિયા ફરાર થઇ ગયા હતા, જેમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ બન્ને કિસ્સામાં એક ગેંગ સંડોવાયેલી હોય તેવું પણ પોલીસ માની રહી છે, તેથી તે દિશામાં પણ પોલીસે તપાસ આરંભી છે.

(8:19 pm IST)