Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સાબરમતી જેલમાં કેદી પર હિંસક હુમલો થતાં ચકચાર

સાબરમતી જેલમાં સુરક્ષાને લઇ ગંભીર સવાલો : આજીવન કેદની સજા ભોગવી રહેલા બે સગા ભાઇઓએ અન્ય કેદી પર ખુરશીના પાયા વડે જીવલેણ હુમલો કર્યો

અમદાવાદ, તા.૧૧ : શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યાના કેસમાં જન્મટીપની સજા પામેલા પાકા કામના એક કેદી પર જેલના જ છોટા ચક્કરમાં હત્યા કેસમાં બે આજીવન કેદની સજા ભોગવી રહેલા બે સગા ભાઇઓએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર જેલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આરોપી કેદી ભાઇઓએ પાકા કામના કેદી પર તૂટેલી ખુરશીના લાકડાના પાયા વડે હુમલો કરતાં ફરી એકવાર સાબરમતી જેલમાં સુરક્ષાને લઇ ગંભીર સવાલો ઉભા થયા છે. રાણીપ પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને છોટા ચક્કર બેરેકમાં લાકડાનો પાયો કેવી રીતે પહોંચ્યો તે મામલે પણ જેલ સત્તાધીશોએ પણ તપાસ શરૂ કરી છે. અમદાવાદની હાઇ સિક્યોરિટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં વધુ એક વખત છીંડાં જોવા મળ્યાં છે. પોલીસ ફરિયાદ અનુસાર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામમાં રહેતો મેહુલ ઉર્ફે કાળુ જગદીશભાઇ નાયક સાત વર્ષથી એક હત્યા કેસમાં જેલમાં બંધ છે. અઢી વર્ષ પહેલાં મેહુલને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા બાદ મેહુલને છોટા ચક્કર બેરેકમાં રાખવામાં આવ્યો છે, જેમાં પહેલાંથી સજા પામેલા ૩ર કેદીઓ રહે છે. સોમવારની રાતે મેહુલ તેની પથારીમાં સૂઇ રહ્યો હતો ત્યારે તેની જ બેરેકમાં રહેતા બડે અને તેના ભાઇ મકોડીએ એકાએક મેહુલ પર લાકડાના પાયા વડે હુમલો કરી દીધો હતો. બન્ને ભાઇઓ મળીને મેહુલ પર તૂટી પડ્યા હતા અને મૂઢમાર તેમજ લાકડા વડે ફટકા માર્યા હતા. આ ઘટનાથી બેરેકમાં બૂમાબૂમ થઇ ગઇ હતી અને જેલ સત્તાધીશો પણ દોડી આવ્યા હતા. અન્ય કેદીઓએ બે ભાઇઓને પકડી પાડ્યા હતા જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મેહુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં છોટા ચક્કર બેરેકમાં ચાલવા બાબતે બડેએ મેહુલ સાથે બબાલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની જેલમાં અંડરવર્લ્ડ ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતાં દેશભરની તમામ જેલમાં સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. રાણીપ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે છોટા ચક્કર બેરેકમાં લાકડાનો પાયો કેવી રીતે પહોંચ્યો તે મામલે પણ તપાસ શરૂ કરાઇ છે. સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ વી. એચ. ડીંડોરે જણાવ્યું છે કે બેરેકમાં સૂવા બાબતે મેહુલ પર બન્ને ભાઇઓએ હુમલો કર્યો છે. બેરેકમાં કોઇ એવી ચીજવસ્તુ હોતી નથી, જે હુમલા માટે વપરાય ત્યારે બેરેકમાં લાકડાનો પાયો કેવી રીતે પહોંચ્યો તે મામલે તપાસ કરવામાં આવશે. જો જેલનો કોઇ સિપાઇ આ મામલામાં સંડોવાયેલો હશે તો તેની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે, જેમાં ર૬૦૦ કરતાં વધુ કાચાકામ તેમજ પાકાકામના કેદીઓ બંધ છે. દિવસમાં ૯ કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે તે સમયે કેદીઓની પૂરતી સલામતી રાખવામાં આવે છે, પરંતુ બાકીના ૧પ કલાકમાં કેદીઓ બેરેકમાં બંધ હોય છે. ૯ કલાક કેદીઓ બહાર હોય ત્યારે સુથારીકામ જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ બન્ને ભાઇઓ તૂટેલી ખુરશીનો પાયો કેવી રીતે બેરેકમાં લાવ્યા તેની તપાસ થશે. જ્યારે કેદીઓ બેરેકમાં જતા હોય છે ત્યારે જેલ સિપાહી કેદીઓની તપાસ કરતા હોય છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદની હાઇ સિક્યોરિટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલ અનેક વખત વિવાદોમાં રહી છે. ખાસ કરીને જેલમાં ભૂતકાળમાં પણ અનેક વખત કેદીઓ પર હુમલા થઇ ચૂકયા છે અને જેલમાં સુરક્ષાને લઇ સતત સવાલો ઉઠતા રહ્યા છે.

(7:40 pm IST)