Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

તાપી નદી કિનારે તંબુમાં રહેતા યુવાનની ભેદી સંજોગોમાં હત્યા

સુરત:કતારગામ તાપી નદીના પાળા ઉપર તંબુ બાંધી એકલા રહેતા અને કલરકામ કરતા યુવાનની હત્યા કરેલી લાશ ગત સાંજે તેના જ તંબુમાંથી મળી આવી હતી. મૃતક યુવાનની હત્યા દિવસ દરમિયાન જ થઈ હોવાની હકીકતના આધારે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

 


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ અમરોલી જૂના જકાતનાકાની બાજુમાં ડામર પ્લાન્ટથી આશરે ૫૦૦ મીટરના અંતરે તાપી નદીના પાળા ઉપર એક તંબુમાં અજાણ્યા યુવાનની લોહીના ખાબોચીયામાં લાશ હોવાની જાણ ગત સાંજે કતારગામ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્યાં જઈ તપાસ કરતા એક યુવાનની માથાના ભાગે, ડાબા કપાળના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી લાશ મળી આવી હતી.

પોલીસે મૃતકની ઓળખ માટે તંબુમાં તપાસ કરતા ઘરવખરીના છૂટા છવાયા સામાનમાં સ્ટીલના ટીફીનના એક ડબ્બા ઉપર રાજુભાઈ કલરવાળા હિન્દીમાં લખેલું મળી આવ્યું હતું. તંબુમાં કલર કરવા માટેના ખાલી ડબ્બાઓ પણ મળી આવતા તે કલરકામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન, ત્યાં એકત્ર થયેલા લોકોમાંથી તુલસીભાઈ માવસંગભાઈ પટેલ (રહે, તૃપ્તી સોસાયટી, સીંગણપોર ચાર રસ્તા) એ પણ તેને ઓળખી બતાવી તેનું નામ રાજુભાઈ કલરવાળો હોવાનું કહ્યું હતું.

(6:05 pm IST)