Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

બાબરી ધ્વંશ પછીના રમખાણો અને ગોધરાકાંડમાંથી પસાર થયા બાદ અમદાવાદના જુહાપુરામાં વર્ષો બાદ પ્રથમ સરકારી હાઇસ્‍કૂલનો પ્રારંભ

અમદાવાદઃ એશિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર એટલે જુહાપુરા. 1993માં બાબરી બ્લાસ્ટ પછીના રમખાણો અને 2002માં થયેલા ગોધરાકાંડમાંથી પસાર થયા બાદ આખરે આ વિસ્તારમાં પ્રથમ સરકારી હાઈસ્કૂલ શરૂ થઈ છે. સોમવારે જુહાપુરામાં સરકારી હાઈસ્કૂલ શરૂ થઈ જેમાં આસપાસની લગભગ 3.5 લાખ લોકોની વસ્તીમાં રહેતા બાળકો અભ્યાસ માટે આવશે. નવી હાઈસ્કૂલમાં ધોરણ 9થી 12ના 420 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે. 180 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 380 વિદ્યાર્થીઓએ શાળામાં એડમિશન લીધું છે.

નવી હાઈસ્કૂલમાં દરરોજ 15 બાળકો એડમિશન લઈ રહ્યા છે. આ વિસ્તારમાં 30 પ્રાથમિક શાળાઓ અને 10 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જો કે મોટાભાગની શાળાઓ ગ્રાંટેડ કે સેલ્ફ ફાઈનાંસ સ્કૂલ છે. એટલે આ પ્રથમ સરકારી હાઈસ્કૂલ છે. ફૂડ સ્ટોલ ચલાવતા આયુબ શેખે દીકરા અકબરનું આ શાળામાં ધોરણ 10માં એડમિશન કરાવ્યું છે. આયુબ શેખે કહ્યું કે, “ખાનગી શાળામાં 8,000-15,000 રૂપિયા સુધીની ફી હોવાથી ત્રણેય બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું અઘરું છે. આ સરકારી શાળા શરૂ થતાં હવે હું મારા બાળકોને એમાં જ મૂકીશ.

મહિને 10,000 રૂપિયા જેટલી આવક ધરાવતા અયુબ શેખે વધુમાં કહ્યું કે, “રોડ-રસ્તાની કામગીરી, ગટર લાઈન કે પાણી કનેક્શનની વાત હોય તો આ વિસ્તારને મહાનગરપાલિકા દ્વારા હંમેશા નજરઅંદાજ કરવાામાં આવ્યો છે. અંતે સરકારે આ વિસ્તારમાં કંઈક સારું કર્યું તેની ખુશી છે. આ પગલાંથી આ વિસ્તારનો સાથે જ અહીં રહેતા લોકોનો પણ ઉદ્ધાર થશે.

આઈસ્ક્રીમ વેચતા મોહમ્મદ અલ્તાફે કહ્યું કે, “મેં મારા દીકરા અઝીઝનું એડમિશન ધોરણ 9માં હાઈસ્કૂલમાં કરાવ્યું છે. ખાનગી સ્કૂલમાં વાર્ષિક 8,000 રૂપિયા ફી ભરવી મારા માટે અઘરું છે કારણકે મારો પરિવાર મોટો છે.રૂપિયા 3 કરોડના ખર્ચે જુહાપુરામાં નવી સરકારી હાઈસ્કૂલ શરૂ કરાઈ છે. સ્કૂલમાં 11 ક્લાસરૂમ, સાયન્સ લેબ, કમ્પ્યૂટર લેબ અને AC લાઈબ્રેરી છે.

અમદાવાદ (ગ્રામ્ય)ના DEO એચ.એચ. રાજ્યગુરુએ કહ્યું કે, “આ સ્કૂલ શરૂ થવાના કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓનું શાળા છોડવાનું પ્રમાણ ઘટશે. આર્થિક તંગીના કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી અભ્યાસ છોડી દેતા હતા.એફ.ડી. હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ મોહમ્મદ હુસૈન ઘેણાએ જણાવ્યું કે, “ઘણા મધ્યમવર્ગીય અને નીચલા મધ્યમવર્ગના પરિવારો બાળકોને ખાનગી શાળામાં ભણાવવા માટે સક્ષમ નથી. એટલે સરકારી હાઈસ્કૂલ શરૂ થતા હવે આવા પરિવારના બાળકોને અભ્યાસ નહીં છોડવો પડે.

(5:51 pm IST)