Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અર્ધ લશ્કરી દળો-કમાન્ડો સાથે રથયાત્રાના રિહર્સલનો પ્રારંભ

'બેકાબુ' ભીડને 'કાબુ'માં લેવા પાણીના ધોધ છોડી બેભાન કરતા વોટર કેનન મશીન સાથે આરએએફ ટુકડીઓ સામેલઃ બંદોબસ્ત માટે પ્રથમવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માઇક્રોપ્લાનીંગઃ કાલે જગન્નાથજી મંદિરમાં ભગવાનની આંખે પાટા બાંધવાની વિધિ (નેત્રોત્સવ): દેશભરમાંથી આવેલા સાધુ-સંતોનો ભવ્ય ભંડારોઃ મહંતને શુભેચ્છા આપવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજાનું આયોજનઃ મામેરા દર્શન માટે ભારે ભીડ

રાજકોટ, તા., ૧૧: પોલીસ બંદોબસ્તની  દ્રષ્ટ્રિએ દેશની સૌથી મોટી એવી અમદાવાદની રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે અમદાવાદ પોલીસની મદદમાં બહારગામથી પોલીસ અધિકારીઓ સાથે કેન્દ્ર દ્વારા અર્ધ લશ્કરી દળો અને ચેતક કમાન્ડો સાથે રથયાત્રાના રૂટનો દબદબાભેર પ્રારંભ થયો છે. પોલીસ સુત્રોના કથન મુજબ કાલે ગ્રાન્ડ રિહર્સલ યોજાશે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમાં સામેલ  થયા છે તેવી આ રથયાત્રાના રૂટના નિરીક્ષણ  દરમિયાન કોઇ જાતની મુશ્કેલી કે અડચણ નથીને? તેનો કયાસ કાઢવામાં આવશે અને જે કાંઇ ક્ષતી હશે તે તાકીદે દુર કરવામાં આવશે તેવું સુત્રો જણાવે છે.

અમદાવાદ રથયાત્રામાં સૌથી મહત્વના ગણાતા મુવીંગ બંદોબસ્ત અર્થાત રથયાત્રાના પ્રારંભથી અંત સુધી તેની સાથે બંદોબસ્તમાં સામેલ રહેવું. આ બંદોબસ્તનું સુકાન પરંપરા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદમાં બે થી અઢી હજાર જેટલા  પોલીસ સ્ટાફની ખાસ પસંદગી કરવામાં આવી છે. આ તમામને તુર્ત જ તેમના લોકેશન સાથે ચોક્કસ ફાળવણી  તાત્કાલીક થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચે વ્યકિતગત એસએમએસ કરી બંદોબસ્ત ફાળવ્યો છે.

ભુતકાળમાં રથયાત્રાનું હવાઇ નિરિક્ષણ હેલીકોપ્ટર દ્વારા તથા અત્યાર સુધી ડ્રોન કેમેરા દ્વારા ઉંચાઇએથી થતું. તેમાં  સૌ પ્રથમવાર  ઇઝરાયેલની ટેકનોલોજીના માધ્યમથી સ્પેશ્યલ બલુન મારફત રથયાત્રાનું નિરીક્ષણ થશે.  આ બલુનની બેટરી લાંબો સમય ચાલતી હોય છે.

રથયાત્રામાં કોઇ પણ સંજોગોમાં ભીડ કે ટોળા બેકાબુ બની તોફાને ચડે અને રથયાત્રામાં અવરોધ જેવું લાગે તો કેન્દ્રમાંથી ખાસ આવેલી રેપીડ એકશન ફોર્સની ટુકડીઓ કે જેઓ વોટર કેનન મશીન સાથે આવેલ છે તેમાંથી પાણીના ધોધ વહાવી તોફાનીઓને બેભાન કરવામાં આવશે.

પોલીસની માફક જયાંથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે તેવા જમાલપુરના જગન્નાથ મંદિરે ભાવીકોની મોટી ભીડ સાથે વિવિધ ઉત્સવો પુજા-અર્ચના માટે તડામાર તૈયારીઓ ચાલે છે. કાલે ગુરૂવારે મામાને ઘેરથી પરત આવેલ ભગવાન જગન્નાથજીની આંખે પાટા બાંધવાની (નેત્રોત્સવ) વિધિનો પ્રારંભ રાજયપાલ ઓ.પી. કોહલી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. જેનું ખુબ જ મહત્વ છે તેવા દેશભરમાંથી પધારેલ સાધુ-સંતોના ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભગવાનને સુવર્ણ વસ્ત્રો પહેરાવાશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વિશેષ પુજાવિધિ રાખવામાં આવી છે. મંદિરના મહંતને શુભેચ્છા પણ પાઠવવામાં આવશે. અષાઢી બીજની રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રા નગર નિરિક્ષણે નિકળવાના હોવાથી તે માટે વ્હેલી સવારે ૪ વાગ્યે મંગળા આરતી બાદ વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે. મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ ઉપસ્થિત રહેશે. રથયાત્રાનો પ્રારંભ વિજયભાઇ અને નિતીનભાઇ દ્વારા કરાવવામાં આવશે. (૪.૮)

(3:57 pm IST)