Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પ્રદેશ કોંગ્રેસ ભાજપ પર વળતા 'પ્રહાર'ની વેતરણમાં !

રાષ્ટ્રીય પ્રમુખની મુલાકાત પહેલા નવાજૂનીઃ સાતવ ગુજરાત આવે એટલે 'તુમ એક મારોગે હમ પાંચ મારેંગે'નો ભાજપને અપાશે પડકારઃ અમિત ચાવડા આક્રમક મૂડમાં: 'અલાહબિક' નામના સાંકેતીક શબ્દની પ્રદેશ કાર્યાલયમાં ચર્ચાઃ પરેશ ધાનાણીનું 'ઘરવાપસી' નિવેદન પણ ઘણુ સૂચક !

અમદાવાદ, તા. ૧૧ :. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી ગુજરાતમાં આ વખતે 'રૂટીન' નહીં હોય. વિધાનસભાની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ બાદ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં મેદાને ઉતારેલી યુવા ટીમ સાતવ, ચાવડા અને ધાનાણી કાંઈક ખળભળાટ મચાવે તેવી આક્રમક ચેલેન્જ ભાજપને આપવાના મૂડમાં હોવાનું મનાય છે. રાહુલજીની ગુજરાત મુલાકાત પહેલા આ યુવા ટીમ નવાજૂનીના મૂડમાં છે. શોલે ફિલ્મનો ડાયલોગ છે કે 'તુમ એક મારોંગે હમ તીન મારેંગે'ની જેમ ડઝનેક શિકારની વેતરણમાં પ્રદેશ કોંગ્રેસ હોવાના નિર્દેશો મળે છે. ધાનાણીનું ઘરવાપસી નિવેદન પણ ઘણુ સૂચક હોવાનું પ્રદેશ કાર્યાલયમાં ચર્ચાય છે.

 

છેલ્લા એકાદ અઠવાડીયાથી પ્રદેશ કાર્યાલયની લોબીમાં 'અલાહબિક' શબ્દની ભારે ચર્ચા છે. આ ચર્ચા પાછળ શું રહસ્ય છુપાયુ છે? તે જાણવા મળતુ નથી પરંતુ પ્રદેશ કાર્યાલયની ગતિવિધિઓ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આક્રમક ગતિવિધિઓને નિહાળવા રાજ્ય પ્રભારી એકાદ-બે દિવસમાં ગુજરાત આવે એટલે કાંઈક નવાજૂની થવાની હોવાના નિર્દેશો મળી રહ્યા છે.

 

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે ઘરવાપસી શબ્દ સાથે કરેલ નિવેદનને ઘણુ સૂચક માનવામાં આવે છે કેમ કે વિધાનસભા ચૂંટણી અગાઉ રાજ્યના દરેક જીલ્લાઓમાંથી બબ્બે પાંચ પાંચ કોંગ્રેસી નેતાઓએ ભાજપમાં ભૂસકો માર્યો હતો અમુકે રાજ્યસભાની ચૂંટણી સમયે ધારાસભ્ય પદેથી રાજીનામા આપી ભાજપ પ્રવેશ કર્યો હતો જેમાથી હાલ ઘણા ભાજપથી નારાજ ચાલી રહ્યાની ચર્ચા છે.

કોંગ્રેસમાં એવુ ચર્ચાઈ રહ્યુ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાઓમાંથી મોટાભાગના નેતાઓ ભાજપની નીતિ-રીતિમાં સરખી રીતે ગોઠવાઈ રહ્યા નથી ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. રાજકોટ શહેરના ડો. જૈમનભાઈ ઉપાધ્યાય જેવા ખૂબ જ ગણ્યાગાંઠયા છે કે જેઓ ભાજપમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ શકયા છે અને ભાજપે પણ તેમને ઘણુ આપ્યુ છે બાકી રાજ્યમાં ઘણા 'મહાત્મા'ઓ અકળામણો અનુભવી રહ્યાનું મનાઈ છે.

સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આગેવાનોમાંથી ઘણા ભાજપમાં ગૂંગણામણ અનુભવી રહ્યા છે અને 'ઉપયોગ' થઈ ગયાનો અહેસાસ કરી રહ્યા છે અને આવા નેતાઓ માટે જ ધાનાણીએ 'ઘરવાપસી'ની વાત કરીને કોંગ્રેસમા આવવા ઈચ્છતાઓ માટે સ્વગૃહના દરવાજા ખૂલ્લા હોવાનું ઈન્જન આપ્યાનું મનાય છે.

જો કે પ્રદેશ કાર્યાલયની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ રાજ્યભરમાં અમુક નેતાઓ સાથે વાતચીત પણ ચાલી રહ્યાનું કહેવાય છે.

બીજી તરફ ભાજપના જુના જોગીઓ અને કસાયેલા કદાવર નેતાઓ અંગે પણ કોંગ્રેસે પ્રયાસો કર્યાનું મનાય છે કે જેઓ અવગણનાનો અહેસાસ કરી રહ્યાનું મનાય છે.

છેલ્લા ૨૨ વર્ષથી કોંગ્રેસ કોઈ અગમ્ય કારણોસર હંમેશા 'ડીફેન્સીવ' રાજકારણ રમતી આવે છે, પરંતુ રાષ્ટ્રીય પ્રમુખ પદે રાહુલ ગાંધીની વરણી બાદ કોંગ્રેસે આક્રમક રવૈયો અપનાવ્યાનું સ્પષ્ટ રીતે નજરે પડે છે.

કોંગ્રેસમાં અત્યાર સુધી નારાજ અને બળવાખોરોને હંમેશા ભાવતા ભોજનીયા મળ્યા છે. એક એવી કહેવત જ પ્રચલીત થઈ ગઈ હતી કે જાહેરમાં અસંતોષનો રાગ આલેખો એટલે કોઈક મહત્વનો હોદો મળી જશે પરંતુ તાજેતરમાં ૧૭૭ બળવાખોરોને એક જ ઝાટકે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરીને અમિત ચાવડાએ હાઈકમાન્ડની આક્રમકતાનો પરીચય કરાવી દીધો છે.

પક્ષમાં કોઈપણ ભોગે ગેરશિસ્ત નહી ચલાવી લેવાય તેવો મીડીયા સમક્ષ ધ્રુજારો વ્યકત કરનાર રાજ્ય પ્રભારી રાજીવ સાતવે પણ હાઈકમાન્ડ હવે ગેરશિસ્ત અંગે કડક રૂખ અપનાવવાનું નક્કી કરી ચુકી હોવાનો નિર્દેશ આપી જ ચુકયા છે. રાજકોટમાં વિપક્ષી નેતાને નોટીસ આ વાતનો પુરાવો માની શકાય.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખે ત્યાં પણ અમુક મહત્વના નિર્ણય કરીને અમુક ભાજપના અસંતુષ્ટો સાથે પણ વાર્તાલાપ શરૂ કર્યાના વાવડ મળી રહ્યા છે. પ્રમુખ અમિત ચાવડાના અમુક પ્રયાસોથી અમુક લોકસભા બેઠકના સમુળગા સમીકરણો જ ફરી જાય તેવી ચર્ચા થઈ રહી છે.

ટૂંકમાં વાત કરીએ તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એકાદ બે દિવસમાં રાજીવ સાતવજી અમદાવાદ આવી રહ્યાનું અને તેમની આ વખતની મુલાકાત ટી ૨૦ - ૨૦ના મેચ જેવી તોફાની ઈનિંગ્ઝ બની રહે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

વર્ષોથી માત્ર ડેમેજ કંટ્રોલની જ ટેવ પાડનારી પ્રદેશ કોંગ્રેસ હવે મુખ્ય હરીફ પક્ષને ડેમેજ કરવાના મંડાણ પણ શરૂ કરે તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે.  આ અઠવાડીયે જ કોંગ્રેસ ફોરવર્ડ ક્ષેત્રમાં આવીને મહત્વના 'ગોલ' કરી ભાજપને જોરદાર પડકાર આપી શકે છે તેવી ચર્ચા પ્રદેશ કોંગ્રેસની લોબીમાં જોરશોરથી થઈ રહી છે.(૨-૧૩)

(4:24 pm IST)