Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરત જિલ્લાના મહુવામાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ: નવસારીમાં 4 ઇંચ તથા વાપીમાં 3 ઇંચ વરસાદ સાથે મેઘમહેર

 સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર શરુ કરી દીધી છે.જે મુજબ સુરત જિલ્લાના મહુવામાં 8 કલાકમાં 8 ઇંચ પાણી પડી ગયું છે.તેમજ નવસારી જિલ્લાના નવસારીમાં 4 ઇંચ તથા વાપીમાં 3 ઇંચ વરસાદ પડતા લોકોએ રાહતનો દમ લીધો છે.

 મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના મહુવામાં છેલ્લા આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. જેથી નદીઓના લેવલ ઉંચા આવી ગયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાંકાનેર ગામે વરસાદના પગલે તલાવડી વિસ્તારમાંથી પસાર ખાડી પાણીથી છલકાઈ ગઈ હતી. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં.

નવસારી અને જલાલપોરમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ

નવસારી જિલ્લામાં નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે. અને નવસારી કલ્કેકર દ્વારા જલાલપોર અને નવસારીમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

(11:08 am IST)