Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૧૪મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા

સૌપ્રથમવાર અખાડા પરિષદના સંતો-મહંતો હાજરી આપશે : અમદાવાદ રથયાત્રામાં શણગારેલા ૧૯ ગજરાજો, ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજનંડળી આકર્ષણનું કેન્દ્ર : ૩૦ હજાર કિલો મગ, જાંબુ સહિત પ્રસાદ

અમદાવાદ, તા.૧૦ : શહેરમાં તા.૧૪મી જૂલાઇએ શનિવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી પરંપરાગત રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. તા.૧૪મી જૂલાઇએ રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૧૪મી જૂલાઇએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે. જેમાં ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીજી મહારાજ, જગદ્ગુરુ રામાનંદાચાર્ય એવા હંસદેવાચાર્યજી મહારાજ અને જૂનાગઢના હીરીગીરીજી મહારાજ સહિતના દિગ્ગજ સંતો પધારશે. તો, સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપશે.

રથયાત્રાની સાથે સાથે.......

૧૩મીએ સોનાવેશના વિશેષ દર્શન કરાશે

       અમદાવાદ, તા. ૧૦ : શહેરમાં તા.૧૪મી જૂલાઇએ શનિવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી પરંપરાગત રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. રથયાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.

તા.૧૩મીએ સોનાવેશના વિશેષ દર્શન

તા.૧૩મી જૂલાઇએ સવારે ૮-૦૦ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. બપોરે ૩-૦૦ વાગ્ય મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ, સાંજે ૪-૦૦ વાગ્યે શહેર શાંતિ સમિતિની મુલાકાત, સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પરંપરા મુજબ, રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી મંદિર અને મહંતશ્રીની શુભેચ્છા મુલાકાત લે છે. આ દિવસે તેઓ ભગવાન જગન્નાથજી માટે ખાસ ખીચડીનો પ્રસાદ લાવતા હોય છે. સાંજે ૮-૦૦ વાગ્યે વિશેષ પૂજા અનએ સંધ્યા આરતી યોજાશે. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂમંત્રી કૌશિક પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અતિથિવિશેષ પદે હાજર રહેશે.

હિન્દુ સંસ્કૃતિમાં માત્ર જગન્નાથજી ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાય છે

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ ભગવાન જગન્નાથજીને રથયાત્રાના દિવસે વહેલી સવારે વિશિષ્ઠ ખીચડીના ભોગ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં એક માત્ર જગન્નાથજી ભગવાનને જ ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે. સામાન્ય રીતે દેવી-દેવતાઓને છપ્પન ભોગ ધરાવાતો હોય છે. પરંતુ જગન્નાથજીની પરંપરા મુજબ, તેમને ખીચડી, કોળા, ગવારફળીનું શાક, અને દહીંનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાનની ખીચડીના વિશિષ્ટ ભોગ માટે ૨૫૦૦ કિલો ચોખા, ૬૦૦ કિલો દાળ, ૧૪૦૦ કિલો ડ્રાયફ્રુટ અને ૧૫૨ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવનાર છે.

જગન્નાથની રથયાત્રાનો ૧૮ કિમી લાંબો રૂટ....

૮.૩૦ વાગે નિજમંદિરમાં પરત

        અમદાવાદ, તા. ૧૦ : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી જેટલો લાંબો હોય છે.

*     ૧૪મીએ સવારે જગન્નાથ મંદિર,જમાલપુરથી સવારે ૭-૦૦ વાગ્યે રથયાત્રાનો શુભારંભ

*     ૯-૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન

*     ૯-૪૫ વાગ્યે રાયપુર ચકલા

*     ૧૦-૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા

*     ૧૧-૧૫ કાલુપુર સર્કલ

*     ૧૨-૦૦ સરસપુર

*     ૧-૩૦ સરસપુરથી રથયાત્રા પરત ફરશે

*     ૨-૦૦ વાગ્યે કાલુપુર સર્કલ

*     ૨-૩૦ પ્રેમદરવાજા

*     ૩-૧૫એ દિલ્હી ચકલા,

*     ૩-૪૫ શાહપુર દરવાજા

*     ૪-૩૦ આર.સી.હાઇસ્કૂલ

*     ૫-૦૦ વાગ્યે ઘીકાંટા

*     ૫-૪૫ પાનકોરનાકા

*     ૬-૩૦ માણેકચોક

*     ૮-૩૦એ નિજમંદિરે પરત ફરશે

નોંધ : રૂટના આ તમામ સ્થાનોએ રથયાત્રા શ્રધ્ધાળુ ભકતજનોને દર્શન માટે પાંચ-પાંચ મિનિટ ઉભી રહેશે.

(7:29 pm IST)