Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દેશમાં સૌ પ્રથમ વખત ઇ-રીક્ષા દ્વારા વડોદરામાં પેટ્રોલીંગનો નવતર પ્રયોગ

પોલીસ કમિશ્નર મનોજ શશીધરના માર્ગદર્શનમાં પીઆઇ હરેશ વોરા ટીમની પહેલઃ ભીડ અને ગીચ વાળી રસ્તે અને સાંકડી શેરીઓમાં આસાનીથી પહોંચી શકશે

રાજકોટ, તા., ૧૧: હંમેશા કંઇક નવુ અને અનોખું કરવા સાથે લોકોને કોઇ જાતની મુશ્કેલી ન સર્જાઇ તે રીતે પોલીસ તંત્ર પાસેથી કુનેહથી કામ લેવામાં માસ્ટરી ધરાવતા વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધરેે   પોલીસ બંદોબસ્તમાં એક નવો પ્રયોગ હાથ ધરી ઇ-બેટરી સંચાલીત રિક્ષાઓનો મોબાઇલ  વાન તરીકે ઉપયોગ કરી બંદોબસ્તમાં મુકતા જ લોકોમાં ભારે આકર્ષણ જાગ્યું છે.  પોલીસ તંત્રે પણ લોકોનો ઉત્સાહ જોઇ આ નવી રીક્ષાઓને બંદોબસ્તમાં સામેલ કરવા પ્રસંગે બેન્ડ વાજા સાથે પોલીસ ટીમ રોડ પર ઉતરી હતી.  જેમાં આ પ્રોજેકટ માટે મહત્વની ભુમીકા ભજવનાર વડોદરા સયાજીગંજ પોલીસ મથકના પીઆઇ હરેશ વોરા અને ટીમ સામેલ થઇ હતી.

પોલીસ કમિશ્નર મનોજ શશીધરે મોટા વાહનોના સ્થાને પ્રદુષણ રહીત આ ખાસ રીક્ષાઓ કે જેમાં પાંચ પોલીસમેન બેસી શકે તેવી વ્યવસ્થા છે. તેમાં દરરોજ સવારે ૮ થી રાત્રીના ૧૦ સુધી પોલીસ પેટ્રોલીંગ થશે. ભીડભાડ વાળા ગીચ વિસ્તારોમાં અને નાની ગલીઓમાં ઇમરજન્સી સમયે ઝડપથી પહોંચી શકાય તે બાબત ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવાયો છે.  દેશની પ્રથમ આ રીક્ષામાં સાયરન ફીટ કરવામાં આવી છે. આગળ પોલીસ એવો સિમ્બોલ પણ ફીટ કરવામાં આવ્યો છે જેથી આ રીક્ષા કોઇ સામાન્ય રીક્ષા નહી પણ પોલીસની મીની મોબાઇલ વાન છે તેવું પણ લોકો અને અસામાજીક તત્વો આસાનીથી સમજી જશે.  પોલીસ પેટ્રોલીંગ માટે આ રીક્ષાઓ ઓટો જોગીક મોટર્સ (મહેશ શર્મા) દ્વારા) સયાજીગંજ પોલીસ મથકને આપવામાં આવી છે.  પ્રારંભે નાયબ પોલીસ કમિશ્નર શ્રી ભાટી, ડીસીપી મનીષ સિંગ, સરોજકુમારી, ડીસીપી ગૌતમ પરમાર, એસીપી પરેશ ભેસાણીયા વિ. ઉપસ્થિત રહયા હતા.  પોલીસની આ ઇ-રીક્ષા દ્વારા કોલેજ કેમ્પર્સ, ગર્લ્સ હોસ્ટેલ વિ. વિસ્તારમાં તથા વોકીંગ માટે આવતા સિનીયર સીટીઝનોને પણ સુવિધા પુરી પાડવામાં આવશે. (૪.૯)

(2:26 pm IST)