Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વડોદરાના કમાટીબાગમાં બીજી નવી જોય ટ્રેન દોડાવાશે બુલેટ ટ્રેન જેવી આકારની ટ્રેનનો 15મી ઓગસ્ટથી પ્રારંભ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમાટી બાગમાં બીજી એક નવી જોય ટ્રેન દોડાવશે. આ જોય ટ્રેન ”મીની બુલેટ ટ્રેન” જેવી હશે. જે અમદાવાદ- મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડશે તેવા આકારની જ આ ટ્રેન હશે જે ૧૫મી ઓગષ્ટથી દોડતી થઈ જશે.

 આ નવી જોય ટ્રેનના તમામ કોચ એસી હશે. હાલ કમાટી બાગમાં જોય ટ્રેન ‘સયાજી એકસપ્રેસ’ દોડે છે. વર્ષો અગાઉ ટોય ટ્રેન દોડતી હતી, જેનું નામ’ ઉદ્યાનપરી’ હતુ. ઉદ્યાનપરીનું સ્ટીમ એન્જિન હતુ, જે વર્ષો જૂનુ હોવાથી અને ચલાવવું જોખમ હોવાથી બદલી નાખીને ડિઝલથી ચાલતુ નવું એન્જિન જોડવામાં આવ્યું હતુ. ૨૦૦૩માં સ્ટીમ એન્જિન રોયલ ફેમિલીને પરત આપી દેવાયુ હતુ. અને હાલ મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં મૂકાયુ છે.

થોડા વર્ષ અગાઉ કમાટીબાગમાં જોય ટ્રેન સયાજી એકસપ્રેસ દોડાવવાનું નક્કી થયુ હતુ. અમદાવાદ કાંકરિયા ખાતે દોડે છે. તેવી ટ્રેન હાલ બાગમાં દોડી રહી છે. રજાઓ અને વેકેશનના દિવસોમાં ધસારો થાય ત્યારે જોય ટ્રેનમાં બેસવા માટે રાહ જોવી પડે છે. જેથી જોય ટ્રેન જેવી બીજી એક નવી બુલેટ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. જો કે બુલેટ ટ્રેનની સ્પીડ સ્લો હશે અને તેમાં ૧૨૦ પ્રવાસીઓ બેસી શકશે. હાલનાં ટ્રેક પર જ નવી ગાડી દોડશે. અત્રેએ નોંધનીય છે કે ૧૯૬૮માં કમાટીબાગમાં ‘ બ્રહ્મચારી’ ફિલ્મનું ચક્કે પે ચક્કા.ચક્કે પે ગાડી” ગીતનું શૂટિંગ ઉદ્યાનપરી પર કરાયુ હતુ. આ ફિલ્મના હિરો શમ્મીકપૂર હતા.

(2:05 pm IST)