Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ભાજપની મીઠી નજર હેઠળ 'મગફળીકાંડ': ધાનાણી

હલકી ગુણવત્તાવાળી મગફળી પીલી સરકારી દુકાનેથી વેચવાનું ષડયંત્ર રચાશેઃ નાફેડ ચેરમેનના આક્ષેપોથી કોંગ્રેસની શંકા યથાર્થ ઠર્યાનો વિપક્ષી નેતાનો દાવો

રાજકોટ તા. ૧૩ : ભાજપના નેતાઓની મીઠી નજર અને રાહબરીમાં જ આખુ મગફળીકાંડ સર્જાયુ છે. નાફેડના ચેરમેનના આક્ષેપોથી કોંગ્રેસની શંકા સાચી ઠરી છે. હવે હલકી ગુણવત્તાવાળી મગફળી પીલી સરકારી દુકાનેથી વેચવાનું ષડયંત્ર રચાશે. તેમ જણાવી વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવાની માંગણી કરી છે.

રાજયની ભાજપ સરકારે ચૂંટણી વખતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાના નામે મળતિયાઓને ફાયદો કરાવવાના પૂર્વઆયોજિત કાવતરાનો આજે ગુજરાતની જનતા સમક્ષ પર્દાફાશ થયો છે એમ, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. હલકી ગુણવત્તાની મગફળી ખરીદી અંગે નાફેડે સરકારને આપેલો અહેવાલ જાહેર કરવાની માગ કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે, જો સરકાર દોષી ન હોય તો હાઈકોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં મગફળીકાંડની તપાસ કરાવવાની કોંગ્રેસની માગણીનો સ્વીકાર કરીને તટસ્થ તપાસ કરાવવી જોઈએ. નાફેડના ચેરમેને સરકાર પર કરેલાં આક્ષેપોથી કોંગ્રેસની શંકા સાચી પડી હોવાનો દાવો તેમણે કર્યો છે.

વિરોધપક્ષના નેતા ધાનાણીએ સરકારની મીઠીનજર નીચે મગફળીકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય રોટલો શેકવા અને ખેડૂતોને ભોળવવા માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું રાજકીય તરકટ રચ્યું હતું. મગફળીના ૩૩ લાખ ટનના કુલ ઉત્પાદનમાંથી ૭.૫ લાખ ટન મગફળી ખરીદાઈ હતી. જેમાંથી સરકારી તિજોરીના-પ્રજાની પરસેવાની કમાણીના રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ કરીને ૫.૫ લાખ ટન મગફળી ગુજકોટ નામની સંસ્થાએ ખરીદી હતી. આ સંસ્થા પાસે અનુભવી અને પુરતો સ્ટાફ પણ નહતો, માલ સંગ્રહ કરવા ગોડાઉન નહોતા અને માલની ખરીદી માટે કોઈ નેટવર્ક નહોતું. આ ઉપરાંત મગફળીની ખરીદીમાં વ્હાલાં-દવલાંની નીતિ અપનાવીને ખાનગી ધોરણે મણદીઠ રૂ. ૫૦નું કમિશન લઈને ભાજપના મળતિયાઓએ મળતિયાઓ પાસેથી નબળી ગુણવત્તાની મગફળી ખરીદી હતી. ભ્રષ્ટાચાર છાવરવા માટે ગોડાઉનોમાં મગફળીની સાથે ધૂળ-ઢેફાં ભરીને આ જથ્થો સળગાવી દેવાયો હતો. કોંગ્રેસે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો અને મુખ્યપ્રધાન તથા રાજયપાલને આવેદન સુપરત કરી તટસ્થ તપાસની માગણી કરી હતી.

વિપક્ષી નેતા ધાનાણીએ જણાવ્યું કે, ભૂતકાળમાં નાફેડના ચેરમેને રાજય સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો અને આજે પણ તેમણે મગફળીકાંડમાં સરકારની નિષ્ફળતાનો પુરાવો હોવાનો આરોપ મૂકયો છે. જે ગોડાઉનમાં મગફળી રાખવામાં આવી હતી તે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા ખાનગી ગોડાઉનો ભાડે રાખીને ગુજકોટે તેમાં માલ ભર્યો હતો.(૨૧.૧૪)

 

(7:52 pm IST)