Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મગફળીકાંડનો તૈયાર 'પાક' વિપક્ષ 'લણી' શકશે ?

કોંગ્રેસ નાના-મોટા 'હાકલા' તો કરે જ છે પરંતુ હવે તૈયાર 'મસાલો' મળ્યો છે ત્યારે જુથબંધીના 'તાયફા' છોડી મજબૂત વિપક્ષના દર્શન કરાવશે કે કેમ ? તેવી લોકોમાં ચર્ચાઃ વાઘજીભાઈએ 'સિંહ'ને પડકાર્યો છે ત્યારે કોંગ્રેસ 'પ્રેસ કોન્ફરન્સ' કે 'નિવેદનો' કરવાને બદલે ખેડૂત પ્રશ્ને લડી લેવાની તક ઝડપી લેશે કે ગુમાવશે ?

રાજકોટ, તા. ૧૩ :. રાજ્યમાં મગફળીકાંડના એક નહી ડઝનેક 'છમકલા' જાહેર થયા છે. કોથળામાંથી મગફળીના બદલે ધૂળ નીકળી છે. કૌભાંડો છતા થવાના ડરથી આગ લગાડીને આબરૂ બચાવવાના નાટક થયા છે ત્યારે પાપ જેમ છાપરે ચડીને પોકારતુ હોય તેમ નાફેડ અને સરકાર સામસામે આવી ગયા છે અને કોંગ્રેસને તૈયાર ભાણે લાડવો મળી ગયો છે ત્યારે નાનામોટા હાકલા પડકારા તથા જુથબંધીના વરવા પ્રદર્શનો છોડીને ભાજપને લોકસભા ચૂંટણી ટાણે ભીડવી શકશે કે પછી અમૂલ્ય તકને વધુ એકવાર ગુમાવશે ? તેવી ચર્ચાએ ભારે જોર પકડયુ છે.

ખેડૂતોની પરસેવાની ઉપજને ભાજી-મૂળા સમજીને સળગાવી દેવાની નાપાક હરકતો દીવા જેવી સ્પષ્ટ થઈ શકે તેમ છે જો કોંગ્રેસમા મજબુત વિપક્ષ તથા ખરા અર્થમાં ખેડૂતના હમદર્દ થવાની ત્રેવડ હોય તો ?

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ જૈફ ઉંમરે પણ જાહેરમાં એક ઘા ને બે કટકા જેવી જાહેરાત કરીને ૨૨ વર્ષથી ગુજરાતના સિંહ સાબિત થયેલા ભાજપને પડકાર્યો છે ત્યારે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કે અખબારી નિવેદનોથી સસ્તી પ્રસિદ્ધિ મેળવી વિપક્ષની ભૂમિકા અદા કર્યાનો સંતોષ માની લેશે કે ખેડૂતોના હામી બનવાની જાહેરાતને યથાર્થ ઠેરવી ઓચિંતી આવેલી તક ઝડપી મજબુત વિપક્ષ બનવાની તાકાત બતાવશે ? આવો પ્રશ્ન જોરશોરથી લોકો પૂછી રહ્યા છે.

નર્મદા પાણી પ્રશ્ન હોય, કચ્છકાંડ હોય કે પછી ગત વિધાનસભા ચૂંટણી વખતે લોકો તથા ખેડૂતોમાં ભાજપ સામે છાનાખૂણે રોષ હોય કોંગ્રેસ કયારેય ખરા સમયે તક ઝડપી શાસન મેળવવામાં સફળ થયો નથી ત્યારે હવે મગફળીકાંડ ભાજપ માટે જબરો માથાનો દુઃખાવો બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ શું ઉકાળે છે? તેના તરફ સૌની નજર છે.

હાલમાં માત્ર કપાસમાં ખેડૂતોના ઘર કે ખેતરમાંથી પાક બજારમાં પહોંચી ગયા બાદ થોડો ભાવ છે બાકી, ચણા, મગફળી, કઠોળ, શાકભાજી કે અન્ય કોઈપણ જણસોમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા નથી ત્યારે વિપક્ષની ભૂમિકા કેવી હોવી જોઈએ ? તે કોંગ્રેસ સાવ વિસરી ગયુ છે. જો ભાજપ વિપક્ષમાં હોય તો પરિસ્થિતિ જ કાંઈક જુદી હોય.

આમ જોઈએ તો મગફળીકાંડમાં કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મોઢામાં આવ્યુ છે તેમ માની શકાય પણ આ પતાસુ પચાવી શકે છે કે કેમ ? તે અંગે ભારે ઉત્તેજના જાગી છે.

ખેડૂતોમા ભારે નારાજગી છે. ગઈકાલે ન્યુઝ ચેનલોમાં રાજ્યભરમાથી માર્કેટયાર્ડમાંથી લાઈવ ચર્ચામાં ખેડૂતોએ હૈયામાં રહેલી વરાળ રૃંવાળા ઉભા કરી દયે તેવી રીતે વર્ણવી છે, ત્યારે ખેડૂતોને તો સૌથી મોટી આશા સરકાર અને વિરોધપક્ષ પાસે જ હોય તે સ્વભાવિક છે.

નાફેડ અને સરકાર વચ્ચે હવે જ્યારે જવાબદારીની ફેંકાફેંકી થાય છે. આ ઉપરાંત નામજોગ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે વિપક્ષ હવે મગફળીકાંડ પરથી ભેદભરમ તથા સત્યનો પડદો હટાવી શકશે કે કેમ ? તે સો મણનો સવાલ બની ગયો છે.(૨-૭)

(11:42 am IST)