Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ખારીકટ કેનાલમાં પ્રદૂષિત પાણી છોડાતા ખળભળાટ

સરકારે કેનાલ સાફ કરાવી તો કોર્પોરેશને ગંદી કરીઃ વરસાદી પાણીના નિકાલની ખાતરી કરવા પાણી છોડવામાં આવ્યું હોવાનો મ્યુનિસિપલ કમિશનર દ્વારા લૂલો બચાવ

અમદાવાદ, તા.૪: એક તરફ રાજ્ય સરકાર કરોડો રૂપિયાનાં ખર્ચે જળસંચય અભિયાન છેડયું છે સ્વચ્છતા અને સફાઇના સામાજિક સંદેશા આપી રહી છે ત્યારે બીજીબાજુ, ખુદ સરકારના જ તંત્ર એટલે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદારો દ્વારા જ ખારીકટ કેનાલમાં વ્યાપક પ્રમાણમાં ગંદકી ફેલાવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.  અમદાવાદની સુંદરતાને ગ્રહણ લગાડનાર ખારીકટ કેનાલની સફાઇ માટે સરકારે સતત એક મહિના સુધી કાર્યવાહી કરી અને ગંદકી ફેલાવનાર સ્થાનિકો સામે પણ કડક કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી છે પરંતુ ખુદ અમ્યુકો દ્વારા જ ડ્રેનેજની ગંદકી આ કેનાલમાં છોડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે અને બહુ મોટો વિવાદ સર્જાયો છે. મહત્વનું છે કે વિરાટનગરમાં આવેલી કેનાલમાં અમ્યુકો દ્વારા ડ્રેનેજનું પાણી છોડવામાં આવતાં પોતાનાં ઘરની આસપાસનાં વિસ્તારમાં ભારે ગંદકી ફેલાતી બંધ થશે તેવી અપેક્ષા રાખીને બેઠેલાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. કારણ કે આ પહેલાં એક સ્થાનિક દ્વારા કેનાલમાં કચરો નાખવામાં આવતા એક અધિકારીઓએ તેને કેનાલમાં ઉતારીને કચરો સાફ કરાવ્યો હતો તો ત્યારે હવે સવાલ એ પણ ઊભો થાય છે કે શું અધિકારીઓ પોતાનાં જ કર્મચારીઓ સામે આવી કડક કાર્યવાહી કરશે કે પછી બેવડું વલણ અપનાવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરનાં પૂર્વ વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી સમયે એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખતા તે વ્યક્તિનો ઉધડો લઈ લીધો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ડિરેક્ટરે કેનાલમાં કચરો નાખનાર વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો. મહત્વનું છે કે શહેરમાં હાલ સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોની સાફ સફાઈ સતત ચાલી રહી છે. ત્યારે અધિકારીની નજર સામે જ એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખ્યો હતો. જેને લઇને હર્ષદ સોલંકી નામનાં એક અધિકારી ઉગ્ર રોષે ભરાયાં અને કચરો નાખનારને પાઠ ભણાવ્યો હતો. સ્વચ્છતા અભિયાન જાળવવા માટે આ અધિકારીએ કચરો નાખનાર વ્યક્તિને કેનાલમાં ઉતાર્યો અને કેનાલમાં નાખેલો કચરો તેની પાસે જ સાફ કરાવ્યો હતો. આ ઘટના કેનાલમાં કચરો નાખનાર લોકોને માટે ચેતવવા સમાન છે. જો કે હવે ખુદ અમ્યુકોના જવાબદાર અધિકારીઓની મંજૂરીથી જ વિરાટનગર પાસેથી પસાર થતી ખારીકટ કેનાલમાં ડ્રેનેજનું અતિશય ગંદુ અને પ્રદૂષિત પાણી મોટાપાયે છોડવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે અમ્યુકોના કમિશનર મુકેશ કુમારે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, પ્રી-મોન્સુન કાર્યવાહીનાં ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનાં માટે સીટી એન્જિનિયરે મંજૂરી પણ આપી હતી. મુકેશકુમારે જણાવ્યું હતું કે, વરસાદી પાણીનાં નિકાલ માટેની તપાસ માટે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ આ અંગે સવાલ એ પણ ઊભો થાય છે કે તંત્ર દ્વારા મહા મહેનતે સાફ કરવામાં આવેલ કેનાલમાં ફરીથી ગંદકી છોડવામાં આવે તે કેટલી હદે વ્યાજબી છે. અમ્યુકોના આવા વિવાદીત નિર્ણય અને બેવડા ધોરણોને લઇ એક નવો વિવાદ સર્જાયો છે.

(10:21 pm IST)
  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST

  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST