Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

હાર્દિક પટેલ વિરૂદ્ધ પાસના નેતાઓ વધુ આક્રમક બન્યા

કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર : હાર્દિક : હાર્દિકના આક્ષેપો બાદ બાંભણીયાની અડાલજ પોલીસમાં અરજી : રેશમા, વરૂણ પટેલ, સાબવાના ઉપર તીવ્ર પ્રહારો

અમદાવાદ,તા.૪ : પાસનું આંદોલન તોડવા માટે પૈસાની લેવડદેવડના ચોંકાવનારા ઘટસ્ફોટ કરતાં વાયરલ થયેલા વીડિયો બાદ પાટીદાર નેતાઓ અને જૂથોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને પાસના પૂર્વ કન્વીનરો અને નેતાઓએ કરોડો રૂપિયા લઇને આંદોલનને તોડવાના પ્રયાસ કર્યા હોવાના પાસના કન્વીનર હાર્દિક પટેલના સોશ્યલ મીડિયામાં ફરતા કરાયેલા મેસેજને લઇ પાસના પૂર્વ નેતાઓ દિનેશ બાંભણીયા, વરૂણ પટેલ, રેશ્મા પટેલ અને હાલના પાસના અગ્રણી દિલીપ સાંબવા સહિતના નેતાઓએ હાર્દિક સામે મોરચો માંડ્યો છે અને કાનૂની કાર્યવાહીથી માંડી માનહાનિ દાવો કરવાની તજવીજ શરૂ કરી છે ત્યારે બીજીબાજુ, વાયરલ વીડિયો મામલે પાસ કન્વીનરે હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, તેમણે આગળથી આવેલો મેસેજ ફોરવર્ડ કર્યો છે, પાસનું આંદોલન તોડવા બાબતે જેમની સામે આક્ષેપ થઇ રહ્યાં છે તેઓ ખુલાસો કરી રહ્યાં છે. સાબવાએ શું કામ ખુલાસો કરવો પડ્યો છે, કારણ કે ક્યાંક તો રંધાયું છે. હું કોઇ પણ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છું. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો તેઓ સાચા છે તો પછી ખુલાસા શા માટે કરી રહ્યાં છે. જ્યારે દિનેશ બાંભણિયાની ફરિયાદ મુદ્દે હાર્દિક પટેલે કહ્યું હતું કે, દિનેશને પણ ખુલાસા કરવા પડે છે. દિનેશની ફરિયાદનો મને ખ્યાલ નથી. હું કોઇ પણ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છું. જ્યારે દિલીપ સાબવાને મારે કોઇ સાબિતી આપવાની જરૂર નથી. હાર્દિકના આક્ષેપ મામલે પાસ કન્વીનર દિલીપ સાબવાએ અમદાવાદમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈને આ વીડીઓ વાયરલ થયો છે. હાર્દિક સાચો હોય તો આ અંગેના પુરાવા આપે. દિલીપે હાર્દિકને ત્રણ દિવસનો સમય આપ્યો છે. નહી તો, સાબવા હાર્દિકના આક્ષેપને લઇ ગુજરાત હાઈકોર્ટમાં જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બીજીબાજુ, હાર્દિક પટેલ દ્વારા આક્ષેપના મામલે દિનેશ બાંભણિયાએ હાર્દિક વિરુધ્ધ અડાલજ પોલીસ મથકમાં અરજી કરી છે અને માનહાનિનો દાવાનો આરોપ મૂકયો છે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, હાર્દિક હલકી કક્ષાની રાજનીતિ કરે છે. હાર્દિકે જે મેસેજ પ્રસિધ્ધ કર્યો છે તે આંદોલન તોડવાની વાત છે. બીજી તરફ અનામત મુદ્દે વ્યક્તિગત આક્ષેપો બાજુ પર રાખી અનામત માટે સૌ એક થાય. અનામત માટે આજે પણ હું હાર્દિક સાથે છું. હાર્દિકે કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જે ૧૭ જણાંને ટિકિટ અપાવ્યાની વાત છે તે મામલે ખુલાસો કરવો જોઇએ. દરમ્યાન રેશમા પટેલ અને વરૂણ પટેલે પણ હાર્દિકના આ ગંભીર આરોપોને વખોડયા હતા અને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સૌથી પહેલા તો તેની બહેનના લગ્નમાં રૂ.૨૦ કરોડ વાપર્યા, તેનો ખુલાસો કરે. હાર્દિકની કથની અને કરણીમાં બહુ ફેર છે. હાર્દિક કોંગ્રેસના ઇશારે રાજકારણ રમી રહ્યો છે અને પાટીદાર સમાજને બદનામ કરવાનું આ એક કાવતરૃં છે.

(7:15 pm IST)