Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઉત્સવો-સમારંભો બંધ કરો, કથળતા વહીવટને સુધારોઃ ધારાસભ્યોની લાગણી

વહીવટી તંત્ર પર સરકારની પક્કડ ન રહેતા ભાજપના જ ધારાસભ્યોમાં તીવ્ર અસંતોષઃ લોકોના કામ ટલ્લે : સચિવાલયમાં ટોચના પદાધિકારીઓની ઓછી હાજરીઃ ભાજપમાં જુથબંધીના લબકારાઃ રાષ્ટ્રીય સ્તરે ફટકાથી કેટલાય કાર્યકરોને ટાઢક

ગાંધીનગર, તા. ૪ :. તાજેતરમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો પડતા ભાજપમાં જુથબંધી મજબુતાઈથી બહાર આવવા પામી છે. વાત કરીએ દિલ્હીના રાજકારણની તો ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખથી નારાજ ભાજપના કેટલાય સિનીયર નેતાઓ ખુશ થયા છે. એટલું જ નહિ આ નેતાઓએ પોતાના પૈસે વિરોધ પક્ષને મીઠાઈ અને ફટાકડા ફોડવા છુટ્ટા હાથે મદદ કરી હોવાના અહેવાલો પક્ષમાં જ ચર્ચાઈ રહ્યા છે.

ગુજરાતમાં રાજ્ય સરકારનો વહીવટ ખૂબ જ ચિંતાજનક બનતો જાય છે. આમા પણ પક્ષની અંદરો અંદરની જુથબંધી પરાકાષ્ટાએ છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ તેમજ ભાવનગરના કેન્દ્રીય પ્રધાન મંડળના મંત્રી સામે પક્ષની અંદરો અંદર વિરોધ દિવસે-દિવસે વધતો જાય છે. અત્યંત ચોકાવનારી બાબત એ છેકે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીથી લઇ મંત્રીમંડળના સભ્યોને એવી વાત કરી હોવાની વિગતો બહાર આવી છેકે, મને પુછયા વગર ભાવનગરના કોઇપણ કાર્યો કરવા નહિ. તેવી ચર્ચા ધારાસભ્યો જોરશોરથી કરી રહયા છે.

વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ હજુ છ માસ પૂર્ણ નથી થયા ત્યાં ધારાસભ્યોમાં રોષ ભભૂકતો જોવા મળે છે. એટલુંજ નહિ કેટલાક ધારાસભ્યો એ તો સચિવાલય આવવાનું પણ્ બંધ કરી દીધુ છે. આ ધારાસભ્યો જાહેરમા઼ એવું કહેતા થયા છેકે, સરકારનો વહીવટી તંત્ર પર કાબુ નથી રહયો.

પક્ષની અંદરના આ જુથવાદને કારણે તાજેતરમાં કૃષિ મેળાઓનો ફિયાસ્કો થયો. ધારાસભ્યો જાહેરમાં બોલે છે કે હવે ઉત્સવો બંધ કરો અને પ્રજાના કાર્યો કરો અમે જયારે સચિવાલયમાં આવીએ ત્યારે પ્રધાનો મળતા જ નથી અને પીએ તો કહે છે સાહેબ ઉત્સવમાં ગયા છે. સાહેબ મીટીંગમાં વ્યસ્ત છે વગેરે જવાબો સાંભળવા પડે છે.

એક ધારાસભ્યએ તો એવું કહ્યું કે વર્ષ ર૦૦૦ પડેલા મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હતાં ત્યારે અમે આવીએ તો એમના અંગત સચિવ કે અંગત મદદનીશ ખૂબજ સરળતાથી અમારા કાર્યો કરી આપતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ ખૂબજ ચિંતાજનક બની ગઇ છે.

રાજય સરકારમાં સચિવ કક્ષાના અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો કેટલાય કિસ્સાઓ આમને સામને આવી ગયા છે. વહીવટી તંત્રમાં મંત્રીશ્રીઓના અંગત સ્ટાફમાં એડીશનલ કલેકટર, મામલતદાર જેવા અધિકારીઓ બેસાડતા સચિવાલય કક્ષાના કર્મચારીઓ-અધિકારીઓ જવાબ આપતા નથી. આમ પ્રજાના કામોમાં વિલંબ થાય છે અને પરિણામે ધારાસભ્યો સાથે આવતા નગરજનો, ધારાસભ્યોને કહે છે કે તમારી સરકાર હોય અને તમને કોઇ ગાંઠે નહિ તો શું કરવાનું ?

સચિવાય કક્ષાના અધિકારીઓ કર્મચારીઓએ વહીવટી તંત્રમાં આ બહારથી આવતા અધિકારીઓ વચ્ચેની લડાઇ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતી જાય છે. સીનીયર કેબીનેટ પ્રધાનોને પણ કોઇ દાદ આપતુ નથી. નજીવી બાબતોની ફાઇલો પણ નિર્ણય થયા વગર ફરે રાખે છે.

(3:37 pm IST)
  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST

  • બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 2:48 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST