Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

હાર્દિક પટેલનો આક્ષેપ : ભાજપે રેશ્માને ૪ કરોડ, વરૂણને ૬ કરોડ આપ્યા, બીજા કોને કોને કેટલા મળ્યાનો કર્યો આક્ષેપ?

અમદાવાદ તા. ૪ : પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલ પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે ભાજપ સરકારના ઇશારે નાણા અપાયા હતા તેવા આક્ષેપ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

આ વીડિયોના પગલે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને પોતાના જૂના સાથીઓ કરોડો રૂપિયામાં વેચાયા હોવાના આક્ષેપ કર્યા છે. હાર્દિકે લખ્યું છે કે, આંદોલનકારીઓને પૈસાના જોરે આંદોલનથી દૂર કરીને હાર્દિક પટેલ પર આરોપો કરનારા લોકોએ પૈસા લઈને હાર્દિક પર આરોપ કરતા હતા એ આજે ખુલ્લા પડી ગયા છે.

હાર્દિકે વધુમાં લખ્યું છે કે, ભાજપ આંદોલન તોડીને આંદોલનકારીઓને ખરીદી રહી હતી એ સાબિત થઇ ગયું છે. જે લોકો પોતાના ઈમાન અને સમાજ સાથે સોદા કરતા હોય એ લોકોનો ભરોસો ના કરાય. હાર્દિકે આ મેસેજમાં આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી છ લોકોને સોંપાઈ હતી તેવો આક્ષેપ કર્યો છે.

હાર્દિકે લખ્યું છે કે, ભાજપ સરકારે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી બટુક મોવલિયા ( સુરતના ઉદ્યોગપતિ), મુકેશ ખેની (સુરતના ઉદ્યોગપતિ), વિમલ પટેલ (સુરતના ઉદ્યોગપતિ), મનસુખ પટેલ (નીતિન પટેલના ખાસ), જેરામભાઈ વાંસજાળિયા (સિધ્ધસર ઉમિયા ધામના પ્રમુખ) અને સી.કે.પટેલ (વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ)ને સોંપી હતી.

હાર્દિકે સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતાં ભાજપે ખરીદેલા આંદોલનકારીઓના ભાવ પણ જાહેર કર્યા છે. હાર્દિકે કરેલા આક્ષેપ પ્રમાણે રેશ્મા પટેલને રૂપિયા ૪ કરોડ ( હાલ ભાજપમાં), વરૂણ પટેલને રૂપિયા ૬ કરોડ (હાલ ભાજપમાં પ્રવકતા), ચિરાગ પટેલને રૂપિયા ૨ કરોડ (હાલ ભાજપમાં) મળ્યા હતા.

હાર્દિકના આક્ષેપ પ્રમાણે કેતન પટેલને રૂપિયા ૩ કરોડ (હાલ ભાજપમાં અને રાજદ્રોહ કેસમાં સરકારનો સાક્ષી),દિનેશ બાંભણિયાને રૂપિયા ૮ કરોડ ( આંદોલનમાં છું એમ કહીને આંદોલન તોડવાનું ), નલિન કોટડીયાને રૂપિયા ૧૩ કરોડ (હાલ ભાજપમાં ) ભાજપ દ્વારા અપાયા હતા. (૨૧.૭)

(9:29 am IST)