Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રસ્તાના કામ ૩૧મી મે સુધી આટોપી લેવા તંત્રનું ફરમાન

વરસાદ પહેલાં કામગીરી પૂરી કરી દેવા આદેશ : ગયા વર્ષે પહેલાં વરસાદમાં ૪૫૦ કરોડના રસ્તા ધોવાઇ ગયા હતા : આ વખતે તંત્ર દ્વારા અગમચેતીના પગલાઓ

અમદાવાદ,તા. ૧૬ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ અને રસ્તાઓના કામ તા.૩૧મી મે સુધીમાં આટોપી લેવા અમ્યુકો તંત્ર દ્વારા કડક આદેશો જારી દેવાયા છે. જૂન મહિનામાં વરસાદની એન્ટ્રી થઇ જવાની હોઇ તે પહેલાં જ રોડ-રસ્તાઓનું કામ પૂર્ણ કરી દેવા અમ્યુકો તંત્ર દ્વારા કોન્ટ્રાકટરો સહિતના કામ કરતા લોકોને સ્પષ્ટ સૂચના જારી કરી દેવાઇ છે. કારણ કે, ગત ચોમાસાના પહેલા રાઉન્ડના વરસાદમાં જ આશરે રૂ.૪પ૦ કરોડના રસ્તા ધોવાતાં આ મામલો રાજયભરમાં મહિનાઓ સુધી ગાજયો હતો. હાઇકોર્ટમાંં આ મામલે જાહેરહિતની અરજી થતાં સમગ્ર કૌભાંડ ગરમાયું હતું. જેથી આ વખતે તંત્રએ અગમચેતીના પગલારૂપે અને ચોમાસામાં રોડ-રસ્તાઓ ગત વર્ષની જેમ ધોવાઇ ના જાય તેની કવાયતના ભાગરૂપે મહત્વના નિર્દેશો જારી કરી દીધા છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓના ધોવાણ અને રસ્તાઓની બિસ્માર સ્થિતિને લઇ હાઇકોર્ટે પણ અવારનવાર તંત્રની તૂટેલા રોડ અને તેના રિપેરિંગ અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓની ઝાટકણી કાઢી છે. જો કે, હવે સત્તાધીશો કોન્ટ્રાકટરને ઊંચા ભાવ ચૂકવીને રસ્તાના કામ ઝડપભેર કરાવવાની દિશામાં પ્રયત્નશીલ બન્યા છે. અમ્યુકો તંત્રના ઉચ્ચ સ્તરેથી આગામી તા.૩૧ મે સુધીમાં શહેરના રોડ-રસ્તાના તમામ કામ આટોપી લેવાના આદેશ સંબંધિત અધિકારીઓને અપાઇ ગયા છે. કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર પણ જારી કરી દેવાયો છે. જો કે, જે પ્રકારે શહેરમાં રોડ-રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે અને તે જોતાં તા.૩૧ મે સુધીમાં કામો પૂરા થશે કે કેમ તે મોટો સવાલ છે. આ વાતને લઇ ખુદ અમ્યુકો સત્તાવાળાઓ ચિંતિત છે અને તેથી જ આ કડક આદેશો જારી કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ રોડના કામના કોન્ટ્રાકટર નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચરને ગત વર્ષ ર૦૧૭-૧૮માંં પૂર્વ ઝોનના વિવિધ રસ્તાના રિસરફેસિંગ માટે અપાયેલા રૂ.૧ર.૪૬ કરોડના કોન્ટ્રાકટમાં વધારાનું રૂ.૧ર કરોડનું કામ આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે તંત્રે આ કોન્ટ્રાકટરને વધારાનું કામ વગર ટેન્ડરે આપ્યું હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિસિપલ બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો. દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં વટવા તળાવથી હોમગાર્ડ ઓફિસ થઇ બાલા હનુમાન મંદિરથી રિંગરોડને જોડતો ગામડી રોડ તેમજ નવા પશ્ચિમ ઝોનના વિભિન્ન વોર્ડના ટોપ મોસ્ટ પ્રાયોરિટીવાળા રસ્તાના રિસરફેસિંગની કામગીરી ચોમાસા પહેલાં કરવી જરૂરી હોઇ નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચરને અગાઉના કામ ઉપરાંત આ વધારાનું કામ આપતાં વિવાદ ઊઠયો હતો. આગામી તા.૩૧ મે પહેલાં કોન્ટ્રાકટર આ કામગીરી પૂર્ણ કરી શકશે કે કેમ? તે અંગે પણ પ્રશ્નાર્થ ઉઠાવાયો  છે. જો કે, આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે સ્પષ્ટ કરી દીધુ હતું કે, આ કામમાં કંઇ જ ખોટું કરાયું નથી. અગાઉના મંજૂર થયેલા ભાવ પર જ વધારાનું કામ અપાયું છે. અગાઉ ત્રણ ત્રણ વખત ટેન્ડર પ્રસિદ્ધ થયા હતા, પરંતુ કોઇએ ટેન્ડર ન ભરતાં સ્પર્ધા થઇ નથી તો શું રોડનું કોઇ કામ નહીં કરવાનું. મ્યુનિસિપિલ કમિશરને શહેરના રોડ-રસ્તાના અધૂરા કામોને લઇને પણ ચિંતા વ્યકત કરી હતી અને તા.૩૧મી મે સુધીમાં આ તમામ કામો પૂર્ણ કરી દેવા કડક તાકીદ કરી હતી.

(7:37 pm IST)