Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય ભણાવવું જરૂરી રહેશે

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરાયો : સીબીએસઇ, આઇસીએસઇ, આઇબી, સીઆઇસી વગેરે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય ફરજિયાત રહેશે

અમદાવાદ,તા. ૧૬ : રાજ્યમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળાઓ સિવાયની અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં પણ આગામી જૂન-ર૦૧૮ના નવા શૈક્ષણિક સત્રથી ધો.૧ અને ધો. ર માં વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ અંગેનો પરિપત્ર જારી કરી આ અંગેની તાકીદ કરી દેવામાં આવી છે. જેથી હવે સીબીએસઇ, આઇસીએસઇ, આઇબી, એસજીબીએસઇ, સીઆઇસી વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને પણ ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોય છે અને ભાષા તરીકે હિન્દી અને વિદેશી ભાષાઓ શીખવવામાં આવે છે, પરંતુ ગુજરાતી ભાષા શીખવવામાં આવતી નથી, જેના કારણે માતૃભાષા ગુજરાતીથી વિદ્યાર્થીઓ વંચિત રહે છે. ત્યારે થોડા દિવસ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા તમામ અંગ્રેજી શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની પુખ્ત વિચારણા કર્યા બાદ નવા શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસંધાનમાં હવે રાજયના શિક્ષણવિભાગ દ્વારા અમલવારી પણ કરી દેવાઇ છે અને આ મામલે વિવિધ બોર્ડની તમામ શાળાઓને પરિપત્ર જારી કરી કડક તાકીદ પણ કરી દેવાઇ છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય દ્વારા જે પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે તેવી ગુજરાતી માધ્યમ સિવાયના તમામ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં જૂન-ર૦૧૮થી ધોરણ-૧ અને ધોરણ-રમાં ગુજરાતી વિષય ભણાવવાનું રહેશે. ગુજરાત બોર્ડ સિવાયની ગુજરાતમાં અન્ય બોર્ડની તમામ શાળાઓએ શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯ના મોડામાં મોડા બીજા સત્રથી ધોરણ-૧ અને ધોરણ-રમાં ગુજરાતી વિષય ભણાવવો પડશે તેમજ શાળાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષણ માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ દ્વારા આપવામાં આવેલ અભ્યાસક્રમ આધારિત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવનારાં પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ર૦૧૮માં ધોરણ-૧ અને ધોરણ-ર, વર્ષ-ર૦૧૯માં ધોરણ-૩, વર્ષ ર૦ર૦માં ધોરણ-૪માં તે રીતે ધોરણ-૮ સુધી ગુજરાતી વિષય ફરજિયાત રહેશે તેમજ જે હિન્દી ભાષાના વિદ્યાર્થીઓ છે તેમને પણ ગુજરાતી વિષય શીખવવામાં આવશે. સરકારના આ પરિપત્રઅને શિક્ષણ વિભાગનીકડક તાકીદને પગલે હવે અંગ્રેજી માધ્યમના બાળકોને પણ ગુજરાતી ભાષા શીખવાની તક પ્રાપ્ય બનશે.

(7:37 pm IST)