Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરતમાં સિવિલમાં તબીબોએ પાંડેસરાના યુવકનું ઓપરેશન કરી નળી કાઢવાનું ભૂલી ગયા બાદ દોઢ વર્ષે જાણ થતા અરેરાટી

સુરતઃ સિવિલમાં દોઢ વર્ષ પહેલા પાંડેસરાના યુવકનું પથરીનું ઓપરેશન વખતે નાંખેલી નળી કાઢવાનું ભુલાઈ જતા યુવકની હાલત કફોડી થઈ છે. સિવિલમાં સોનોગ્રાફી બાદ નળી રહી હોવાનું સામે આવ્યું છે. નળી કાઢવી પડશે તેવું દર્દીને તબીબે જણાવ્યું ન હોવાનો આક્ષેપ કરાયો છે

પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતા ગૌતમભાઈ બૈસાને(25) હાલ એક્સીસ બેંકમાં કલેક્શનનું કામ કરે છે. દોઢ વર્ષ પહેલા તેમને પથરીનો દુખાવો થતા નવી સિવિલમાં બતાવ્યું હતું. તબીબે ઓપરેશનની સલાહ આપતા 27 સપ્ટેમ્બર 2016ના રોજ તેઓ ઓપરેશન માટે સિવિલમાં દાખલ થયા હતા. 3 ઓક્ટોબર 2016ના રોજ ઓપરેશન કરી 16 એમએમની પથરી કઢાઇ હતી. ત્યાર બાદ 9 ઓક્ટોબરે તેમને રજા આપી દેવામાં આવી હતી. જોકે,દોઢ વર્ષ પછી છેલ્લા પંદર દિવસથી તેમને દુ:ખાવો થતો હોવાથી મંગળવારે સર્જરી વિભાગમાં એકસ-રે સોનોગ્રાફી કરાવ્યા હતા. જેમાં સર્જરી વખતે નાંખેલી આ નળી કાઢવાની રહી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. તબીબોએ હાલ ગૌતમભાઈને લેસર દ્વારા સર્જરી કરી નળી કાઢી લેવા જણાવ્યું છે.

(5:42 pm IST)