Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નદીમાં ડૂબેલા મુસ્લિમ યુવકનો જીવ બ્રાહ્મણ યુવતીએ બચાવ્યો

પરિવારજનો પરમિશન નહીં આપતા હોવાથી ચારેય મુસ્લિમ યુવકો કોઇને જણાવ્યા વગર પિકનિક મનાવવા ગયા હતા

વડોદરા તા. ૧૬ : સાવલી તાલુકાના રસુલપુર ગામ પાસે વહેતી મહીસાગર નદીમાં ભયજનક ઉંડી ખીણો અને પથ્થરો હોવાથી તેમાં નાહવા જવા પર પ્રતિબંધ તંત્રે લગાવ્યો હોવા છતાં જીવને જોખમમાં મુકીને નાહવાની મોજ માણવા ઉપડી જતાં હોય છે.શહેરના વાઘોડીયા વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના બે યુવક અને તેના બે મિત્રો સાથે ગત રવિવારે મધર્સ ડે ના રોજ ફરવા માટે રસુલપુર પહોંચી ગયા હતા,જયાં ચારેય નાહવા માટે નદીમાં ઉતરી પડયા હતા. દરમ્યાન બે યુવકો ઉડાં પાણીમાં સરકી જતાં લોકોએ બુમો પાડી હતી.પાણીમાં સરકતા બે ભાઈઓ પૈકી એકને કિનારા પર બેસેલા અન્ય એક યુવકે પાણીમાં જઈને બચાવી લીધો હતો,જયારે અન્ય એક યુવક બાદલને ઉડાં ધરામાં સરકતો રોકવો જોખમી હોવાથી તેને બચાવવા જવાનું જોખમ લીધુ ન હતુ,તેવા સમયે વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બ્રાહ્મણ યુવતી ભર્ગસેતુ શર્માએ મહીસાગર નદીના ભયજનક વળાંકો અને ઉંડાં ધરામાં ધસમસતા પાણીમાં ઝંપલાવી દીધુ હતુ,પથ્થરોમાં ફસાઈને મુસ્લિમ યુવક બાદલ પાણી પી જતાં તેના શ્વાસોચ્છવાસ બંધ થઈ ગયા હતા. હોઠ કાળા પડી ગયા હતા,બાદલને નદીની બહાર કાઢીને કાઢી તેના શરીરમાંરહેલુ પાણી બહાર કાઢ્યુ હતુ અનતેના બંધ થઈ ગયેલા હાર્ટબીટ્સ પુનઃ શરૂ કરી દીધા હતા.

૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ તબીબી સેવા ઘટનાસ્થળે પહોંચી ત્યા સુધીમાં બાદલને હોશ આવી ગયા હતા,તે ચાલતો એમ્બ્યુલન્સ વાનમાં જઈ બેઠો હતો.ક્રિકેટ કોંચીગનો શોખ ધરાવતા બાદલ તેના ભાઈ અને બે મિત્રોએ તેઓના ઘેર કોઈને જાણ કરી ન હોવાથી તેઓની ઓળખ છતી નહી કરવા કાકલુદી કરતા પ્રારંભીક તબક્કે માત્ર ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સેવાના રેકર્ડ પર ઘટનાની નોંધ હતી. જો કે ત્યારબાદ બાદલ અને તેના ભાઈ તથા મિત્રોએ તેઓના જીવ બચાવનાર ભર્ગસેતુ શર્મા અને તેના મદદગાર મિત્રો કિરણ અને સુષમા શર્માનો આભાર માનવા સંપર્ક કર્યો હતો,ત્યારે જાણ થઈ હતી કે બાદલ અને તેના મિત્રો વાઘોડીયા વિસ્તારમાં રહે છે,તેઓ ક્રિકેટ કોંચ છે,અને ચારેય મુસ્લિમ છે.

૨૨-૨૫ની વયજુથના ચારેય યુવકોએ પોતાના પરિવારજનો નહી જવા દે તેમ વિચારી રસુલપુર મહીસાગર નદીએ નાહવા પહોંચી ગયા હતા.

 દરમિયાન ભર્ગસેતુ શર્મા કહે છે કે તે છેલ્લા છ વર્ષથી એનિમલ રેસ્કયુ ક્ષેત્રે સેવા આપે છે,તેણે એનસીસી કેડેટની તાલિમ મેળવી છે,અને હાલમાં મ.સ.યુનિવર્સિટીમા ઝુઓલોજી વિષય સાથે ગ્રેજયુએશનની પરીક્ષા આપી છે, બી-૫૭ વ્રજવિહાર સોસાયટી, વાસણા રોડ પર રહેતી ભર્ગસેતુ શર્માના પિતા ઈન્સ્યોરન્સ કન્સલટન્ટ છે.

(3:53 pm IST)