Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમદાવાદ સહિત દેશના ૮ એરપોર્ટનું સંપૂર્ણ ખાનગીકરણ?

રાજકોટ તા. ૧૬ : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત અમદાવાદ ઉપરાંત ચેન્નઈ, કોલકાતા, કોચી, પુણે, જયપુર, લખનઉ અને ગુવાહાટી એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવા કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. આ અગાઉ સરકારે અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું મેન્ટેનન્સ અને સંચાલન ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિાય હાથ ધરી હતી. લાંબા સમય સુધી ચાલેલી આ ખાનગીકરણ પ્રક્રિયામાં ખાનગી કંપનીઓએ રસ ન દાખવતા સરકારે આ પ્રક્રિયા પડતી મુકી હવે સંપૂર્ણ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.

યુપીએ સરકાર દ્વારા અમદાવાદ ઉપરાંત ચેન્નઈ, કોલકાતા, જયપુર, લખનઉ અને ગુવાહાટી એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ તે સમયે ઓથોરિટીના વિવિધ સંગઠનો અને કર્મચારીઓના વિરોધ વચ્ચે સરકારે ખાનગીકરણની પ્રક્રિયા પડતી મુકી હતી. ત્યારબાદ એનડીએ સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું સંચાલન અને મેન્ટેનન્સ સિંગાપોરના ચાંગી એરપોર્ટને આપવા કરાર કર્યા હતા. પરંતુ ચાંગી એરપોર્ટના અધિકારીઓની કેટલીક શરતોના કારણે કરાર રદ થયો હતો.

(2:20 pm IST)