Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમદાવાદમાં બિટકોઇનના નામે છેતરપિંડીની વધુ અેક ફરિયાદઃ મુકુંદ પટેલની તેમના મિત્ર આકાશ પટેલ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદઃ બિટકોઇન પ્રકરણમાં સીઆઇડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેવા સમયે જ અમદાવાદમાં બિટકોઇનના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક વેપારીએ તેની માલિકીના 10 બિટકોઇન જેની બજાર કિમંત રૂપિયા 29 લાખ થાય છે તે બારોબાર વેંચી માર્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

ક્રાઈમ બ્રાન્ચમાં મુકુંદ પટેલ નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે તેમના મિત્ર આકાશ પટેલ પાસેથી 10 બિટકોઇન ખરીદ્યા હતા, તેઓ ઘણા સમયથી ડિઝિટલ કરન્સીમાં રોકાણ કરે છે. પરંતુ તેમણે ખરીદેલા બિટકોઇન વેચવા હતા. જો કે તે માટે તેમને એક નવા એકાઉન્ટની જરૂર હતી. આ દરમિયાન તેમના જુના પરિચીત મેહુલભાઈ પુરાણીયાએ તેમને જણાવ્યુ કે તેમની પાસે ત્રણ વોલેટ છે જેના દ્વારા તેઓ તેમના બિટકોઇન વેંચી આપશે જે પેટે થનાર કમિશન આપવુ પડશે, મુકુંદ પટેલે તે માટે તૈયાર હતા.

બિટકોઇન વેચવા માટે જરૂરી આઈડી મેહુલ પુરાણીયાને આપ્યા પણ હતા. જો કે ત્યાર બાદ મેહુલ પુરાણીયાનો સંપર્ક બંધ થઈ ગયો હતો, તેમના ઘરે તપાસ કરતા પણ તેઓ મળી આવતા ન્હોતા. આથી મુકુંદ પટેલે પોતાના એકાઉન્ટમાં રહેલા બિટકોઇન અંગે તપાસ કરાવતા જાણવા મળ્યુ કે તેમના બિટકોઇન મેહુલ પુરાણીયા, ભાવીક પુરાણીયા અને વિરલ ભાનુશાળીના નામે તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે. આમ મુકુંદ પટેલના 29 લાખની કિમંતના 10 બિટકોઇન વેચવાના બહાને ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. આ કેસની તપાસ સાયબર સેલના સબઈન્સપેક્ટર આર. કે. સોંલકી કરી રહ્યા છે.

(7:21 pm IST)