Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અસમાજિક તત્વોનો આંતક જારી : પરિવાર ઉપર હુમલા

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ભારે આતંક : શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આંતક : સ્થાનિક રહીશોમાં ડર તેમજ ફફડાટની લાગણી

અમદાવાદ,તા. ૧૬ :    શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા વાહનોને આગચંપી અને સ્થાનિક એક પરિવારના ઘરમાં તોડફોડ કરી આંતક મચાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બનેલા આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભય અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે અસામાજિક તત્વોની ઓળખ કરી તેઓને પકડી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલાં જ શહેરના સરદારનગર સહિતના કેટલાક વિસ્તારોમાં એકસાથે ૧૧થી વાહનોમાં જુદા જુદા સમયે આગચંપી કરવાની ગંભીર ઘટના સામે આવી હતી અને તેને લઇ જોરદાર હોબાળો મચ્યો હતો. આ જ પ્રકારની વધુ એક ઘટના આજે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સામે આવી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વોએ જાહેરમાં ખુલ્લેઆમ તલવારો અને ઘાતક હથિયારો સાથે એક પરિવારના ઘર પર હુમલો કર્યો હતો અને જોરદાર તોડફોડ મચાવી હતી. એટલું જ નહી, ઘરની બહાર પડેલા બેથી વાહનોને આગચંપી કરી દેતાં આગમાં વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. બનાવને પગલે સ્થાનિક રહીશો સહિતના લોકોમાં ભારે ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસને જાણ થતાં પોલીસે પણ સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજ અને સ્થાનિક લોકોના નિવેદન અને પૂછપરછના આધારે અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે એ નોંધવુ જરૂરી છે કે, તાજેતરમાં જ પૂર્વ વિસ્તારમાં રામોલ, સીટીએમ અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં સ્થાનિક રહીશોેએ સ્થાનિક અસામાજિક તત્વો, ગુંડાઓ અને લુખ્ખાઓના ત્રાસમાંથી મુકત કરાવવા ઉત્તરપ્રદેશની યોગી સરકારની જેમ એન્કાઉન્ટર સહિતની આકરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી સાથે વિશાળ રેલીઓ પણ યોજી હતી. છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના ત્રાસની સ્થાનિક રહીશોની ગંભીર અને વ્યાપક ફરિયાદો છતાં શહેર પોલીસ તંત્ર ખાસ કરીને પૂર્વ વિસ્તારની પોલીસ કોઇ અસરકારક કે પરિણામલક્ષી કાર્યવાહી કરતી નથી, તેને લઇને સમગ્ર પોલીસ તંત્ર સામે ગંભીર અને શંકા જન્માવતાં સવાલો ઉભા થયા છે. રહીશોએ પોલીસની ભૂમિકાની આકરી ટીકા કરી હતી.

 

(8:15 pm IST)