Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સરકારી પ્રેસનોટ-ફોટોગ્રાફને સ્થાન નહિ અપાય તો જાહેરખબર બંધ કરી દેવાશે :દિવ -દમણના અધિકારીની અખબારોને ધમકી

એડમિસ્ટ્રેટરના ધ્યાનમાં આવતા ફરમાન રદ કરીને અધિકારીને નોટિસ ફટકારી

અમદાવાદ:દિવ-દમણના કેન્દ્ર શાશિત વિસ્તારમાં માહિતી અધિકારીએ અખબારોને એક લેખિત ફરમાન કરતા ચિમકી આપી કે અમારા ધ્યાનમાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી પ્રેસ નોટ અને સરકારી કાર્યક્રમના ફોટોગ્રાફને અખબારો સ્થાન આપતા નથી અને સરકારી યોજનાઓનું કવરેજ કરતા નથી. આથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અખબાર સરકારી પ્રેસનોટ અને ફોટોગ્રાફને પોતાના અખબારમાં સ્થાન આપશે નહીં, તેમની સરકારી જાહેર ખબરો બંધ કરી દેવામાં આવશે.આમ તેમણે અખબારોને ધમકી આપી સરકારી કાર્યક્રમનું કવરેજ કરવા આદેશ આપી દીધો. હતો  જો કે અધિકારીની મુર્ખતા એડમિસ્ટ્રેટરના ધ્યાનમાં આવતા તેમણે તરત અધિકારીના તઘલખી ફરમાનને રદ કરી આ પ્રકારનું ફરમાન કરવા બદલ અધિકારીને કારણ દર્શક નોટીસ પાઠવી છે.

આ અંગે દિવ-દમણના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને પુછવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે માહિતી અધિકારી દ્વારા જે આદેશ આપવામાં આવ્યો તેની જાણ થતાં તેમણે તરત માહિતી અધિકારીના આદેશ ઉપર રોક લગાવી દીધી છે. તેમણે કહ્યુ કે અખબારોને આ પ્રકારે સરકારી પ્રેસનોટ અને ફોટોગ્રાફ લેવાની ફરજ પાડી શકાય નહીં. આ આદેશ કરનાર સરકારી અધિકારીના આદેશને રદ કરવા ઉપરાંત તે અધિકારીને તેમની કચેરી દ્વારા કારણદર્શક નોટીસ પણ આપવામાં આવી છે.

(7:15 pm IST)