Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બ્રાન્ડેડ કપડા, શુઝ, ફોન, ક્રિકેટનો શોખ પડતો મુકીને અમદાવાદનો સીએ અત્મય શાહ દિક્ષા લઇને સંયમના માર્ગે નીકળશે

અમદાવાદ : મોટી બહેને દીક્ષા લીધા બાદ તેના પગલે ચાલતા 26 વર્ષીય CA યુવાન શાહ અભય ભંડારીએ પણ સંયમનો માર્ગ અખત્યાર કરવાનો નિર્ણ લીધો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો અભય બ્રાન્ડેડ કપડા, શૂઝ, ફોન તેમજ પોતાને અતિશય પ્રિય ક્રિકેટનો શોખ પણ પડતો મૂકીને સંયમના માર્ગ પર ચાલી નીકળશે.

અભય જાન્યુઆરી 2016માં જ સીએ થયો હતો. જોકે, જીવનમાં કોઈ ચીજની કમી ન હોવા છતાંય તેણે ભૌતિકવાદને છોડી આધ્યાત્મવાદના રસ્તે ચાલી નીકળવાનું નક્કી કરી લીધું છે. અભય કહે છે કે, મેળવવા કરતા આપવાનો આનંદ ઘણો મોટો છે. મને આ નિર્ણય લેવાની તમામ શક્તિ તેમજ પ્રેરણા મારી મોટી બહેનમાંથી મળી છે.

અભયનું કહેવું છે કે, જીવન મળ્યું છે તો તેનો સંપૂર્ણ ઉપયોગ કરી લેવો જોઈએ. હું કર્મના સિદ્ધાંત અને નૈતિકતામાં વિશ્વાસ કરું છું. હાલની એજ્યુકેશન સિસ્ટમ અંગે અભયે જણાવ્યું હતું કે, હાલનું ભણતર ચારિત્ર્યનું ઘડતર કરતા નથી શીખવતું. તેમાં ધરખમ સુધારાની જરુરિયાત છે. અભયના મોટા બહેન મિતાલીએ ગયા વર્ષે દીક્ષા લીધી હતી. તેમાંથી જ અભયને સંસાર છોડવાની પ્રેરણા મળી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રહેતા અને મૂળ ગુજરાતી યુવક મોક્ષેશ શાહ પણ આગામી દિવસોમાં દીક્ષા લેવાના છે. મોક્ષેશ પણ સીએ છે, અને તે પોતાના પિતાના કૌટુંબિક એલ્યુમિનિયમના બિઝનેસ સાથે જોડાયેલા છે. મોક્ષેશનો પરિવાર 100 કરોડથી પણ વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસ સાથે સંકળાયેલું હોવા છતાં મોક્ષેશ દીક્ષા લઈ રહ્યો છે.

(7:30 pm IST)