Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

નર્મદા કેનાલથી પાણીની ચોરી ના થાય તે માટે જવાનો તૈનાત

૯૦૦થી વધુ જવાનો તૈનાત કરાયાઃ છોટા ઉદેપુરમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ ખેડુતોના સરકાર વિરોધી દેખાવો

અમદાવાદ,તા. ૧૭: સમગ્ર ગુજરાત રાજયમાં ગઇકાલથી ખેડૂતોને ઉનાળુ ખેતી માટે નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાનું રાજય સરકાર દ્વારા બંધ કરાતાં રાજયભરના ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. આજે છોટા ઉદેપુર ખાતે તો સેંકડો ખેડૂતોએ એકત્ર થઇ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. આવનારા દિવસોમાં આવા જ દ્રશ્યો રાજયના બીજા પંથકોમાં જોવા મળે તો નવાઇ નહી. બીજીબાજુ, રાજય સરકાર દ્વારા રાજયમાં નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી ના થઇ શકે તે માટે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર જળ પર પોલીસનો જાપ્તો ગોઠવાયો છે. નર્મદા કેનાલના ૪૫૩ કિલોમીટરના સમગ્ર રૂટમાં ૫૦થી વધુ જુદા જુદા પોઇન્ટ પર ૯૦૦થી વધુ પોલીસ અને એસઆરપી જવાનોને ૨૪ કલાક જાપ્તા માટે તૈનાત કરાયા છે. ખાસ કરીને રાત્રિના સમયે પાણીની ચોરી ના થાય તેનું ધ્યાન રાખવાના સરકાર દ્વારા કડક આદેશો આપવામાં આવ્યા છે.  નર્મદા કેનાલમાંથી પાણીની ચોરીને અટકાવવા રાજય સરકાર દ્વારા સૌપ્રથમવાર નર્મદા ખાતે એસઆરપી બટાલિયનનું વડુમથક ઉભુ કરવામાં આવ્યું છે અને પાણી પર લોખંડી પહેરો ગોઠવી દેવાયો છે. તો, ૭૫૦ જેટલા અધિકારીઓ સમગ્ર વોચની પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે જોતરી દેવાયા છે. એટલું જ નહી, કેવડિયાથી બનાસકાંઠા સુધી ૫૦થી વધુ સુરક્ષા જવાનો અને સૌરાષ્ટ્ર કેનાલના પોઇન્ટો પર ૧૧૭ જેટલા જવાનો ૨૪ કલાક સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે. પાણીની ચોરી અટકાવવાની સુરક્ષા ટીમોમાં એક પીઆઇ, ત્રણ પીએસઆઇ અને સંખ્યાબંધ એસઆરપી જવાનોને સામેલ કરાયા છે. હાલ નર્મદા કેનાલમાંથી ડેડસ્ટોક જથ્થાનો ઉપયોગ કરી માત્ર પીવાનું જ પાણી અપાઇ રહ્યું છે અને પાણીની તંગી અને અછતની સ્થિતિ જોતાં ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું ગઇકાલથી બંધ કરી દેવાયું છે, જેને લઇ રાજયભરના ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નિગમ લિમિટેડના સત્તાવાળાઓએ પાણીની તંગી અને ઘટેલા સ્તરને જોતાં ખેડૂતોને તેમની પાસે સ્થાનિક સ્તરે જો પાણીની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા ના હોય તો આ વર્ષે ઉનાળુ પાક ના લેવાની અપીલ કરી છે. સિંચાઇનું પાણી બંધ કરવા પાછળ નિગમના સત્તાવાળાઓએ પાણી નહી આપવા પાછળ એવો બચાવ રજૂ કર્યો હતો કે, ગત ચોમાસામાં નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ઓછા વરસાદને પગલે હાલ ડેમમાં પાણીનું સ્તર ઘટી ગયું છે અને તેથી પાણીના જથ્થામાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં માત્ર ૪૫ ટકા જ પાણી બચ્યું છે. નર્મદા ડેમમાંથી માત્ર પીવાનું ચાર હજાર કયુસેક જેટલું પાણી પૂરૂ પાડી શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજયમાં ખેડૂતોને નર્મદામાંથી સિંચાઇનું પાણી મળવાનું નહી હોવાથી પાણીની કેનાલ અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી ના થાય તે માટે સરકારના સત્તાવાળાઓએ પોલીસ પહેરો-જાપ્તો તૈનાત કર્યો છે તેમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા સહિતના પંથકોમાં પાણીની ચોરી ના થાય તે માટે સરકાર દ્વારા પાણી પર પહેરો એટલે કે, પોલીસનો જાપ્તો બેસાડવામાં આવ્યો છે.

 

બીજીબાજુ, આજે છોટા ઉદેપુર ખાતે ખેડૂતોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ સરકાર વિરોધી દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી હતી કે, તેઓએ દેવું લઇ મકાઇ, ડાંગર અને કપાસની ખેતી કરી  હતી અને હવે પાક તૈયાર થવાના આરે છે ત્યારે સરકારે નર્મદાનું પાણી આપવાનું બંધ કરી દેવાની જાહેરાત કરતાં તેમનો મરો થયો છે. તૈયાર થયેલો પાક પાણીના અભાવે સૂકાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે. ખેડૂતોએ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યાે હતો.

(8:30 pm IST)