Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કિસાન વિજય દિવસ” નિમિતે કોંગ્રેસ દ્વારા ટ્રેકટર રેલી

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતો – ખેતીના પ્રતિક ટ્રેક્ટર ચલાવીને સરકારના પરાજયની ઉજવણી કરી

ગાંધીનગર:કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ  અમિત ચાવડાએ ત્રણ કૃષિ કાયદાઓને પરત લીધા પછી જણાવ્યું હતું કે લાખો ખેડૂતોના સંઘર્ષ, ખેડૂત સંગઠનોની તાકાત અને કોંગ્રેસ પક્ષના સત્યાગ્રહના સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે કિસાન વિરોધી ત્રણ કાળા કૃષિ કાયદા હટાવવા મજબુર થઈ કેન્દ્રની મોદી સરકારને આખરે ઝુકવું પડ્યું છે. આ જીત લાખો ખેડૂતોની છે, ખેડૂતોની લડતની છે, ખેડૂતો ના બલિદાનની છે.

ખેડૂતોના સ્વાભિમાનના સન્માન સ્વરૂપે “કિસાન વિજય દિવસ” ના પ્રસંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ટ્રેકટર રેલી સુરત જીલ્લાના માંડવીના તરસડા ચોકડી થી તાપી જીલ્લાના વ્યારા સુધી યોજાઈ હતી. કિસાન વિજય દિવસ નિમિત્તે યોજાયેલ ટ્રેક્ટર રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતો – ખેતીના પ્રતિક ટ્રેક્ટર ચલાવીને અહંકારી સરકારના પરાજયની ઉજવણી કરી હતી.

કિસાન વિજય દિવસ નિમિત્તે યોજાયેલ ટ્રેક્ટર રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ટ્રેક્ટર યાત્રામાં એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન સહપ્રભારી બિશ્વરંજન મોહંતી, સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય આનંદ ચૌધરી, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, તાપી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીલાભાઈ ગામીત સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો જોડાયા હતા. સમગ્ર રેલી દરમ્યાન અહંકારી મોદી સરકાર સામે ખેડૂતોએ અને સ્થાનિક નાગરીકોએ ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથોસાથ ખેડૂતોના વિજયની ઉજવણી કરી હતી

(10:46 pm IST)