Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત

વાહન વ્યવહાર કચેરીમાં 20 જેટલી સેવાઓ ફેશલેસ બનતા રાજ્યના 63 લાખથી વધુ નાગરિકોને લાભ થશે

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે સ્થિત આરટીઓ ઓફિસના પ્રાંગણમાં અમદાવાદ અને રાજકોટને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને પગલે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં નાગરિક સુવિધાઓ વધુ સરળ બની છે. મુખ્યપ્રધાને આ અવસરે સરકારી સેવાઓમાં ડીજીટલાઇઝેશનની ગતિને વધુ વેગવાન બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી સેવાઓમાં લઘુત્તમ હ્યુમન ઇન્ટરફેસ થાય તે પ્રકારની સુવિધાઓ વ્યવસ્થાઓ સરકાર વિકસાવી રહી છે.આ અંગેની વિગતો આપતા મુખ્યપ્રધાને કહ્યુ કે, વાહન વ્યવહાર કચેરીમાં 20 જેટલી સેવાઓ ફેશલેસ બનતા રાજ્યના 63 લાખથી વધુ નાગરિકોને લાભ થશે.અમદાવાદમાં નિર્માણ થનારી વાહન વ્યવહાર કચેરી 39. 40 કરોડ ના ખર્ચે બનશે એટલું જ નહિ 4 માળનું આ ભવન 600 લોકોની ક્ષમતા ધરાવતો એ.સી.હોલ,1000 વાહનોની ટેસ્ટની સુવિધા યુક્ત હશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે સામાન્ય નાગરિકની હાલાકીમાં ઘટા઼ડો થાય અને સુખાકારી વધે તે માટેની રાજ્ય સરકારની કટિબદ્ધતા ફરી વાર દોહરાવી હતી. તેમણે નાગરિકોને કોરોના અંગે જરુરી સાવચેતીની પણ સલાહ આપી હતી અને તમામ નાગરિકોને સત્વરે રસી લઈ લેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે રાજકોટ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી ખાતેથી રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણી પણ જોડાયા હતા.વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક જીલ્લા મથકે વહીકલ ફિટનેસ સર્ટિફિકેટ સેન્ટર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(PPP)ના ધોરણે ઉભા કરવામાં આવશે. પૂર્ણેશ મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારનો વાહન વ્યવહાર વિભાગ સેવા, સુવિધા અને સલામતીના લક્ષ્‍ય સાથે આગળ ધપી રહ્યો છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ પટેલ,રાકેશ શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના એમ.ડી હર્ષદ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે તેમ જ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(9:30 pm IST)