Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ગોંડલમાં બેસીને ઘડ્યો હતો લૂંટનો પ્લાન: સુરતના સરથાણા રાયઝોન પ્લાઝામાં સુખરામ જવેલર્સ નામની દુકાનમાં લૂંટ તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરનાર ગોંડલ અને લીલીયાના મિહિર ડોબરીયા, જય તેજાણી અને દર્શન રાઠોડને પીસ્ટલ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા

સૂત્રધાર ફાયનાન્સનું કામ કરતા રાહુલ ગમારા તથા અન્ય એકની શોધખોળ

રાજકોટઃ સુરતમાં ગત તા.૧૧/૧૧/૨૦૨૧ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે સરથાણા જકાતનાકા, રાઇઝોન પ્લાઝામાં આવેલ કલ્પેશભાઇ કાનજીભાઇ ધકાણની ‘સુખરામ જવેલર્સ’ નામની દુકાનના કાચ ઉપર એક અજાણ્યો શખ્સ જેણે મોઢે માસ્ક પહેરી રાખેલ તેણે પોતાની પાસે રહેલ પિસ્ટલ જેવા હથીયાર વડે ફાયરીંગ કરી ગુન્હો આચર્યો હતો.આ અંગે આઈપીસી ૩૩૬ તથા આર્મ્સ એકટ કલમ.૨૫(૧)એ,૨૭(૧) મુજબનો ગુનો રજીરટર કરવામાં આવેલ. આ ગંભીર અને ચકચારીત હોવા ઉપરાંત ગુનાના કામે ફાયરીંગ કરનાર આરોપીનો ઇરાદો લુંટ કરવાનો, કોઇકને મારી નાખવાનો, અથવા ફાયરીંગ કરી કોઇકનો ડરાવવાનો કે ધમકાવવાનો પ્લાન હતો? તે અંગેના અનેક તર્કવિતર્ક ઉભા થતા પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફીક એન્ડ ક્રાઇમએ આ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢી સત્વરે ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા ક્રાઇમબ્રાંચના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી રાજકોટના ગોંડલ અને લીલીયાના ત્રણ શખ્સોને પીસ્ટલ સાથે પકડી લીધા છે.

એસીપીશ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને પો.ઇન્સ.શ્રી ડી.સી.બી.પો.સ્ટેશનની સુચના મુજબ ડી.સી.બી.ની અલગ અલગ ટીમોએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરી, બનાવથી અવગત થઇ CCTV, ટેક્નીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સર્વેલન્સથી વર્કઆઉટ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરેલ હતા. 

દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે “મિહીર ડોબરીયા નામના શખ્સે તેના સાગરીતો સાથે મળી ઉપરોક્ત ગુનાને અંજામ આપેલ છે. તેમજ આ મિહીર ડોબરીયા આજે ફરીથી કોઇ ગુનાને અંજામ આપવા માટે તેના સાગરીતો સાથે લસકાણામ આપા ટી સેન્ટરની બાજુમાં ભેગા થનાર છે.” વિગેરે મતલબની ચોક્કસ હકીત આધારે આરોપીઓ (૧) મિહિર શૈલેષભાઇ ડોબરીયા, ઉ.વ.૨૦, રહે, રામકૃષ્ણા નગર, શેરી નંબર-૦૨, ચોથુ મકાન (ડાબી બાજુથી), ગુંદાળા રોડ, કનૈયા પાન વાળી શેરી, ગોંડલ, રાજકોટ, મુળ રહે- ગામ બાલાપર તા-જામ-કંડોરણા, જી રાજકોટ, (૨) દર્શન ભીમાભાઇ રાઠોડ (ભરવાડ), ઉ.વ.૨૧, રહે ઘર નંબર-૦ર, કસ્તુરીબાગ સોસાયટી, વિભાગ ૦૧, દાદા ભગવાન મંદિર આગળ, કામરેજ, સુરત મુળ રહે- ગામ-લીલીયા (ઉમિયા મંદિર પાસે), તા-જી લીલીયા. (૩) જય મગનભાઇ તેજાણી, ઉં.વ.૨૨ રહે-વૃંદાવન સોસાયટી વિભાગ-૨, TVSના ગ્રાઉન્ડ પાછળ, ગોંડલ, રાજકોટ મુળ રહે-ગામ-પીઠડીયા, તા-જેતપુર, જી-રાજકોટને ઉપરોક્ત ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ પિસ્ટલ નંગ-૧, કિ.રૂ.૪૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩, કિ.રૂ.૨૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે.

આરોપીઓની સઘન અને ઉડાંણપુર્વકની પુછપરછમાં હકીકત એવી રીતેની જાહેર થયેલ છે. કે, સહ આરોપી રાહુલ દિનેશભાઈ ગમારાને સુરત મુકામે ફાયનાન્સનો ધંધો છે. તેને આર્થીક તકલીફ હોવાના કારણે તે દુર કરવા સારૂ શોર્ટ કટમાં રૂપિયા કમાવવાના ઈરાદે જવેલર્સની દુકાન ધરાવતા માલીકને ફોન કરી ડરાવી ધમકાવી અથવા દુકાનમાં લુટ કરી રૂપીયા કમાવવાનુ આયોજન કરી પ્લાન ઘડી તેમાં પોતાના સાગરીતો મિહિર શૈલેષભાઇ ડોબરીયા, જય મગનભાઇ તેજાણી, દર્શન ભીમાભાઇ રાઠોડ તથા હિતેશ કોળીને આ યોજનામાં સામેલ કરી હિતેશ કોળીએ સુરત શહેર વરાછા, કાપોદ્રા તથા સરથાણા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સ, અનાદી જવેલર્સ, નાકરાણી જવેલર્સ, સુખરામ જવેલર્સ તેમજ અન્ય જવેલર્સની દુકાનો ઉપર રેકી કરી સુખરામ જવેલર્સ' નામની દુકાન મેઇન રોડ ઉપર અને લુંટ કરી સરળતાથી હાઇવે તરફ નાશી જવાય તેમ હોય આરોપીઓએ ગુનાને અંજામ આપવા સારૂ પ્રથમ ‘સુખરામ જવેલર્સ’ ના માલીકને ફોન કરી ડરાવી ધમકાવી ખંડણી માંગવી અને રૂપિયા નહી આપે તો ત્યાર બાદ તેની દુકાનમાં ફાયરીંગ કરીને લુંટ કરવાનુ નક્કી કરવાનું આયોજન કરી તા.૧૧/૧૧/૨૦૨૧ના રોજ ગુનાને અંજામ આપવા આરોપીઓ મિહિર શૈલેષભાઇ ડોબરીયા, જય મગનભાઇ તેજા, દર્શન ભીમાભાઇ રાઠોડ તથા હિતેશ કોળીએ સરથાણા જકાતનાકા પાસે જઈ ખંડણીનાં રૂપિયા માટે સુખરામ જવેલર્સમાં ફોન કરેલો પરંતુ ફોન રીસીવ ન થતા આરોપીઓએ લુંટના ગુનાને અંજામ આપવા સારૂ મિહીર ડોબરીયાએ પોતાની પાસેની પિસ્ટરલ જેમાં ત્રણ કાર્ટીઝ લોડ કરી ફરીયાદીની દુકાન પાસે જઇ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા ‘સુખરામ જવેલર્સમાં રહેલ માણસો બહાર આવતા તેમજ નજીક આવેલ પાનના ગલ્લા ઉપર પણ લોકો ભેગા થતા ત્યાથી નાશી ગયેલ હોવાની હકિકત જાહેર થયેલ છે. 

આરોપી મિહિર ડોબરીયા વિરુદ્ધ ગોંડલ સિટીમાં દારૂનો ગુનો નોંધાયો હતો. આ કામગીરી પીઆઇ લલિત વાગડિયા, પીએસઆઇ કિરીટ સાવલિયા, યોગેન્દ્રસિંહ, મહાવીરસિંહ, સહદેવસિંહ, મુકેશ અને અસગર અલીએ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં કરી છે.

(8:32 pm IST)