Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવા તૈયારી રાખજો:નીતિનભાઈ પટેલની પાટીદાર સમાજની હાકલ

સંગઠન અને એકતા તો દેશમા માન સન્માન મળશે,સમાજે જરુર પડે એકતા બતાવવા પાછી પાની ન કરવી જોઈએ: “માં ઉમિયાધામ” કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગેનીતિનભાઈનું મોટું નિવેદન

અમદાવાદ :પાટીદાર સામાજની અલગ અલગ સંસ્થાઓના વિખવાદો વચ્ચે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યુ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે નિવેદન આપ્યુ છે કે, “વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખજો અને તે માટે સમાજમાં એકતા જરૂરી છે.. સંગઠન અને એકતા તો દેશમા માન સન્માન મળશે, માટે સમાજે જરુર પડે એકતા બતાવવા પાછી પાની ન કરવી જોઈએ”

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી સંસ્થાન,ઉંઝા દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં નવનિર્મિત “માં ઉમિયાધામ” કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ નિવેદન આપ્યું હતું

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ ખાતે મા ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. 74 હજાર ચોરસવાર જગ્યામાં રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે.

જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. કુલ 13 માળની ઈમારતમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ સાથે વર્કિંગ ભાઇ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે. અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કરાશે

(7:00 pm IST)