Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સુરત પોલીસે દારૂની જે બોટલો પર 'બુલડોઝર' ફેરવ્યું તે જેલમાંથી સહી સલામત મળી!

ઓગસ્ટ ૨૦૨૧માં પોલીસે મેજિસ્ટ્રેટના આદેશ બાદ દારુની ૨૫,૩૬૦ બોટલોનો નાશ કર્યોઃ પરંતુ આશ્ચર્યજનક રીતે 'કાગળ' પર નાશ કરાયેલી ૧૬૭૮ બોટલો સબજેલમાંથી મળી આવી ત્રણ પોલીસકર્મી સામે ગુનો દાખલ કરાયોઃ પરંતુ આરોપી કોન્સ્ટેબલનો પોતાને બલિનો બકરો બનાવાયો હોવાનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, તા.૨૦: દારુબંધી ધરાવતા ગુજરાતમાં દર વર્ષે દારુની હજારો બોટલો પર રોલર ફેરવીને પોલીસ તેનો નાશ કરી દેતી હોય છે. જોકે, જે મુદ્દામાલ પકડાતો હોય છે તેનો 'કાગળ' પર કરાયેલો નાશ વાસ્તવમાં પણ થયો હોય તેવું જરુરી નથી. કંઈક આવું જ બન્યું છે સુરતમાં બનેલી એક દ્યટનામાં, જયાં કામરેજ પોલીસને સબજેલમાંથી ૩,૨૨૧ બોટલો મળી આવતા દારુનો જથ્થો નાશ કરવાની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. આ મામલે ત્રણ કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો હતો, તેમજ દારુનો જથ્થો સબજેલમાં સંતાડવા બદલ ગુનાઈત કાવતરું રચવાની કલમ પણ લગાડવામાં આવી હતી.

જોકે, આ મામલો અહીંથી પૂરો નથી થઈ જતો. કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા આ ત્રણ કોન્સ્ટેબલમાંથી એકે આ અંગે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેણે કોર્ટને જણાવ્યું છે કે, સબજેલમાંથી કુલ ૩,૨૨૧ બોટલ દારુનો જથ્થો મળ્યો છે. જેમાંથી ૧,૬૭૮ બોટલો પોલીસ દ્વારા કોર્ટના આદેશ બાદ ઓગસ્ટ મહિનામાં 'કાગળ' પર નાશ કરાયેલી ૨૫,૩૬૦ બોટલોમાં સામેલ હતી.

હાઈકોર્ટમાં પહોંચેલા કોન્ટેબલના દાવા અનુસાર, દારુનો જથ્થો નાશ કરાયાનું પંચનામું ખુદ પોલીસ ઈન્સ્પેકટરે બનાવ્યું હતું. જો પીઆઈએ પોતે આ સમગ્ર કાર્યવાહી કરી હોય તો નાશ કરાયેલી ૨૫,૩૬૦ બોટલોમાંથી ૧,૬૭૮ બોટલ જેલમાં કઈ રીતે પગ કરી ગઈ તે વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. મુદ્દામાલમાંથી કથિત ચોરીના આ મામલામાં હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો છે.

પિટિશન કરનારો કોન્સ્ટેબલ પિનેશ વિઠાણી કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈએ સબજેલમાં ૧૩ ઓકટોબરના રોજ દરોડો પાડીને દારુની બોટલો જપ્ત કરી હતી. તે વખતે કોન્સ્ટેબલ વિઠાણી ઉપરાંત LRD ગુલાબ કરસનભાઈ અને GRD ધવલ કિરિટભાઈ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે સ્ટેશનમાં નાનો છે, જયારે દારુનો જથ્થો ખૂબ જ વધારે હોવાથી મુદ્દામાલને પોલીસ કવાર્ટરના રુમમાં રાખવામાં આવ્યો હતો. જોકે, ત્રણ આરોપીઓએ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કવાર્ટરમાં શિફ્ટ કરવાના બહાને દારુની બોટલો સબજેલમાં સંતાડી દીધી હતી.

પરંતુ આ કેસમાં આરોપી બનાવાયેલા કોન્સ્ટેબલે પોતાની સામે નોંધાયેલી FIR રદ કરવાની માગ કરતા એવો દાવો કર્યો છે કે તે સૌથી જૂનિયર હોવાના કારણે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કોર્ટમાં કરેલી પિટિશનમાં તેણે દાવો કર્યો છે કે દારુની જે બોટલો જેલમાંથી મળી છે તે ૨૭ ઓગસ્ટે મેજિસ્ટ્રેટના આદેશ બાદ નાશ કરવામાં આવી હતી. જેનું પંચનામું ખુદ પીઆઈએ તૈયાર કર્યું હતું.

(3:02 pm IST)