Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમદાવાદમાં ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહીબાગમાં મેગા કેમ્પ યોજાયો

પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરાશે : નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવા માટે આયોજન હાથ ધરાયું છે. શહેરમાં ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહિબાગ ખાતે આ માટેનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. રાજ્ય સરકારના નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત આ કેમ્પનું આયોજન શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

કોરોના કાળ દરમિયાન રાજ્યમાં કેટલાક પોલીસ કર્મીઓના મોત થયા હતા. તેમના પરિવારની હાલત અત્યંત દયનીય જોવા મળી હતી. જેને પગલે હવે સરકાર દ્વારા રાજ્યના પોલીસ કર્મીઓ અને પરિવારની સારસંભાળ લેવાય તે હેતુથી આરોગ્ય ચકાસણી માટે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શુક્રવારે સવારે ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહીબાગ ખાતે આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ કિરીટ સોલંકી, રાજ્યક્ષા મંત્રી નિમિષાબેન સુથાર, શહેરના મેયર ઉપસ્થિત રહ્યા હતાં.

હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે સામાન્ય જનમાં પણ લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગો, વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગો વ્યાપી રહ્યા છે ત્યારે નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાનનો 12મી નવેમ્બરથી મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

અભિયાન હેઠળ રાજ્યમાં બિન ચેપી રોગથી લોકોની કાળજી લેવા 30થી વધુ વયના નાગરિકોની દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ક્રિનિંગ તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે.

જોકે આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેકટર ૧ ના જોઈન્ટ કમિશનર રાજેન્દ્ર અસારી, સેકટર ૨ ના જોઈન્ટ કમિશનર ગૌતમ પરમાર, ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ કમિશનર પ્રેમવીર સિંગ, ટ્રાફિક જોઈન્ટ કમિશનર મંયકસિંહ ચાવડા સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(12:12 pm IST)