Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

RTOના ડેટાનો દુરુપયોગ કરી નકલી RC બુક બનાવી કૌભાંડ :બે આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

જુહાપુરા અને સરખેજના 2 યુવાનો ઓનલાઈન ડેટા મેળવીને લોનનો ડેટા બાકી હોય તેવી આરસી બુક કોમ્પ્યુટર મારફતે સુધારીને લોકોને વેચતા હતાં

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હરાજીમાં વેચાયેલા વાહનોની ચાર હજાર રૂપિયામાં નકલી RC બુક બનાવનાર બે આરોપીની ધરપકડ કરી છે. જુહાપુરા અને સરખેજના 2 યુવાનો ઓનલાઈન ડેટા મેળવીને લોનનો ડેટા બાકી હોય તેવી આરસી બુકવ કોમ્પ્યુટર મારફતે સુધારીને લોકોને વેચતા હતાં. જેનાથી જે વાહનની લોન ભરપાઈ ના થઈ હોય તે વાહનની આરસી બુક તેમજ પરિવહન સોફ્ટવેરમાંથી ડેટા મેળવીને તેના જેવી જ વિગ કાર્ડમાં નાંખીને આખું કૌભાંડ કરવામાં આવતું હતું.

આ બનાવની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PSI ને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ગુજરાત આરટીઓના ડેટાનો દુરૂપયોગ કરીને બોગસ આરસી બુક બનાવી આપે છે. જે સંદર્ભે બે શકમંદો અમદાવાદ આરટીઓ ખાતેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે વોચમાં બેઠેલા ક્રાઈમ બ્રાંચના માણસોને એક સફેદ કલરનું નંબર પ્લેટ વિનાનું એક્ટિવા જતું દેખાયું હતું. જેના પરર બે યુવકો સવાર હતાં. પોલીસને બાતમીમાં મળેલી માહિતી પ્રમાણેના લોકો હોવાથી તેમને રોકવામાં આવ્યાં હતાં.

પોલીસે આ યુવકોની પુછપરછ કરતાં તેઓએ પોતાનું નામ ઈમરાન સૈયદ અને મોહમ્મદ અલી બુખારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની અંગઝડતી લેતાં તેમની પાસેથી અલગ અલગ નંબરના વાહનોની આરસી બુક મળી આવી હતી. આ યુવકોએ આરસી બુક વિશે પુછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ અલગ અલગ લોકોને ત્રણથી ચાર હજાર રૂપિયા લઈને હરાજીમાં ખરીદાયેલા વાહનોની આરસી બુક બનાવી આપતા હતાં. કારણ કે આ વાહનની બેંક લોન બાકી હોવાથી નવા વ્યક્તિના નામે આર.સી. બુક ટ્રાન્સફર થઈ શકે તેમ ન હતી.

(9:33 pm IST)