Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા સોલા સિવિલમાં 150 બેડ વધારાયા : હવે કોરોના દર્દીઓ માટે 600 બેડ ઉપલબ્ધ

અમદાવાદ જિલ્લામાં કાલથી ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારવા સૂચના : ગામડાઓમાં પ્રવેશતા માર્ગો પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે

અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 150 બેડ વધારવામાં આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓ માટે કુલ 600 બેડ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ જિલ્લામાં 21મી નવેમ્બરથી સર્વે અને ટેસ્ટિંગ વધારવામાં આવશે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ જણાવ્યું હતું કે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 450 બેડ છે તેની સંખ્યા વધારીને 600 કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હજી પણ વધારે જરૂર પડશે તો અન્ય બેડ વધારવાની તૈયારી પણ રખાઈ છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 22 કેસ સામે આવતા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 3300ને પાર પહોંચી ગયા છે

અમદાવાદ જિલ્લામાં શુક્રવારે તમામ તાલુકાના હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરોની 2 મિટિંગ બોલાવીને તેમને આવતીકાલથી જ ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારવા સૂચના આપી દેવાઇ છે. એ જ રીતે સોમવારથી અમદાવાદ શહેર ફરતા રીંગ રોડ ઉપર ગામડાઓમાં પ્રવેશતા માર્ગો પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે

આ ઉપરાંત અસલાલી, ગોરૈયા, ધોળકા તાલુકાના ધોળકા, કોઠ, નાની બોરુ, દસ્ક્રોઇ તાલુકાનું ભુવાલડી, જેતલપુર, કાસીન્દ્રા, મીરોલી, નાંદેજ, ટીંબા, દેત્રોજ તાલુકાનું રુદાતલ, વાસણા, ધંધુકા તાલુકાનું તગડી, માંડલ તાલુકાનું સીતાપુર તથા વિઠલાપુર, સાણંદ તાલુકાનું સરી તથા તેલાવ ગામને વિશેષ કેન્દ્રિત કરીને સર્વેલન્સ તથા ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

(9:01 pm IST)