Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદ : બોડકદેવમાં છે અતિ ગંભીર સ્થિતિ : ૩૦થી ૪૦ સોસાયટીમાં વકર્યો છે કોરોના

આ વિસ્તારમાં રહેનારાઓમાં સોંપો પડી ગયો છે

અમદાવાદ તા. ૨૦ : પશ્ચિમ અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી આખીને આખી સોસાયટીઓને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવાની ફરજ પડી રહી છે. અત્યારે અમ્યુકોએ આદર્શ શેરી તરીકે જાહેર કરેલી બોડકદેવની શેરીમાં આવેલા પ્રિન્સ ફલેટ્સ, નજીકમાં આવેલા શ્યામ વિહારમાં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. બોડકદેવમાં આવેલા પ્રિન્સ ફલેટ અને શ્યામ વિહાર ઉપરાંત પ્રિયદર્શીની સોસાયટી, પરિચય, પાવન, નિલદીપ, નેહદીપ સહિતની સોસાયટીઓમાં છૂટાછવાયા કેસ જોવા મળી રહ્યા છે. પરિણામે આ વિસ્તારમાં રહેનારાઓમાં સોંપો પડી ગયો છે.

બોડક દેવ વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો વધી જતાં કુંદ કુંદ કહાન દિગમ્બર જૈન પારમાર્થિક ટ્રસ્ટ સંચાલિત સીમંધર સ્વામી દિગમ્બર જૈન દેરાસરમાં આવતા શ્રદ્ઘાળુઓની એન્ટ્રી સીમિત કરી દેવામાં આવી છે. તેમ જ કાનજી સ્વામિના પ્રવચનની કેસેટ સાંભળવા માટે એકત્રિત થતાં લોકોને પણ એકત્રિત ન થવાની સૂચના આપી દેવામાં આવી છે.

આજ રીતે સ્થાનિક વિદ્વાનોના પ્રવચનો પર પણ રોક લગાવી દઈને દેરાસરમાં રૂબરૂ હાજરી આપનારાઓની સંખ્યા સીમિત કરવાના પગલાં લેવાયા છે. વાર્ષિક શિખર સુદ્ઘિની પ્રક્રિયામાં પણ બે-ત્રણ શ્રદ્ઘાળુઓને જ સામેલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલા દિગમ્બર જૈનના ૧૫ જેટલા દેરાસરોની એન્ટ્રીને અંકુશિત કરવામાં આવી હોવાનું દિગમ્બર જૈનની સંસ્થાના ટ્રસ્ટીઓનું કહેવું છે.

લોકલાગણીને માન આપીને સરકાર ધાર્મિક સ્થળ ખૂલ્લા મૂકી રહી છે, પરંતુ તહેવારોની સીઝનમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગની સૂચનાનો ધરાર અનાદર કરીને મંદિરો અને અન્ય ધર્મસ્થાનકોમાં એકત્રિત થયા છે. ભદ્રના મંદિરમાં ભકતોની જામેલી ભીડના વિડિયો તેના બોલતા પુરાવા છે. તેને પરિણામે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના લીરેલીરા ઊડી ગયા છે. પરિણામે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૧૫થી ૨૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

સેટેલાઇટના ધનંજય ટાવરમાં ૮ થી ૧૦ કેસ આવતા ટાવરના વહિવટકર્તાઓએ રહિશોને સરકયુલર મોકલીને તેમજ ટાવરના ગેટ પર બોર્ડ મારીને બહારના લોકોને ટાવરમાં આવવા-જવા પર પ્રતિબંધ મુકી દીધો છે આ રીતે ટાવરને કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યું છે.

(3:33 pm IST)