Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

'સ્પેશિયલ 26 ' ફિલ્મ જેવી મોડ્સ ઓપરેન્ડી : ચાંગોદર પોલીસે છ બોગસ આઇટી અધિકારીઓને ઝડપી લીધા

નકલી આઈ કાર્ડ બતાવી ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું : 50 હજાર લઈને નીકળી ગયા બાદ 10 લાખની માંગણી કરી

અમદાવાદ :સ્પેશિયલ 26 ' ફિલ્મ જેવી મોડ્સ ઓપરેન્ડી સાથે નકલી આઇટી અધિકારીઓ બની લોકોને ધુતતા છ શખ્સોને ઝડપી લેવાયા છે અમદાવાદની ચાંગોદર પોલીસે 6 નકલી આઈટી અધિકારીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ નકલી આઈટી અધિકારી બની ફરિયાદીના ઘરે પહોંચી તેમના ઘરેથી 50 હજાર રુપિયા લઈ જતા રહ્યા હતા અને . આ સિવાય તેમણે સમાધાન માટે 10 લાખની માંગણી પણ કરી હતી. ચાંગોદર પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી જહીર મન્સુરી,અશોક રાઠોડ, ગૌતમ વાણીયા, કનુભાઈ સોલંકી, દિનેશ સોલંકી, કિશોર સરવૈયા નામના લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એક કાર અને અન્ય વસ્તુઓ કબ્જે કરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ  અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં 6 નવેમ્બરના રોજ સ્પેશિયલ 26 ફિલ્મ જેવી રિયલ લાઈફમાં ઘટના બની હતી. 6 જેટલા આરોપીઓ નકલી આઈટી અધિકારી બની ફરિયાદી ફારુક ભાઈ મોમીનના ઘરે પહોંચી ગયા હતા અને તેમને નકલી આઈ કાર્ડ બતાવી ઘરમાં સર્ચ ઓપરેશન કરવા લાગ્યા હતા. આરોપીઓએ ઘરમાં તિજોરી અને અન્ય વસ્તુઓ સર્ચ કરી ઘરમાંથી રુપિયા 50 હજાર લઈ નિકળી ગયા હતા અને ત્યાર બાદ પાછળથી ફોન કરી ફરિયાદી પાસેથી રુપિયા 10 લાખની માંગણી પણ કરી હતી.
 ફરિયાદીએ આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગત 17 તારીખે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ચાંગોદર પોલીસનુ કહેવું છે કે આ ફરિયાદ આવતા સ્પેશ્યલ ટીમ બનાવી તપાસ સોંપી હતી અને ચોંકક્સ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો આ સિવાય અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે. આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.

(10:30 pm IST)